અમદાવાદ / જૂનાગઢ / ગાંધીનગર | આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, છેલ્લા ૧૫-૨૦ દિવસથી ગામડાઓમાં વીજળીની એટલી ભયંકર સમસ્યા ઊભી થઈ છે કે જાણે દેશમાં અંધકાર યુગ કે ફાનસ યુગ પાછો આવી ગયો હોય. હિન્દુઓના સૌથી પવિત્ર તહેવાર નવરાત્રી દરમિયાન સાંજ પડે અને માતાજીની આરતી ચાલુ થાય ત્યારે જ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં લાઈટ જતી રહે છે. જો હિન્દુઓના તહેવારોમાં પણ સરકાર વીજળી આપી શકતી નથી, તો તે કયા મોઢે હિન્દુત્વની વાતો કરે છે? અત્યારે શિયાળુ વાવેતર અને ખેતરોમાં પાકને પાણી પાવા માટે તથા તહેવારો માટે વીજળીની ભારે જરૂરિયાત છે, છતાં જેવી સાંજ પડે કે લાઈટ કાપી નાખવામાં આવે છે. વિજ ડિપાર્ટમેન્ટમાં ફોન કરીએ તો પહેલાં ફોન ઉપાડતા નથી અને ઉપાડે તો સીધો જવાબ આપવાને બદલે લોડ શેટિંગનું બહાનું બતાવે છે. ગોપાલ ઇટાલિયાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ખેડૂતોના ખેતરે લોડ શેટિંગ કરવાને બદલે ભાજપ પોતાના 'કમલમ' કાર્યાલયો અને અમદાવાદ એરપોર્ટ પર લોડ શેટિંગ કરે અને ત્યાંના કનેક્શન કાપી નાખે. સરકાર પાસે આયોજન અને આવડતનો અભાવ હોવાથી લોકો જમવા બેસે ત્યારે મોઢા સુધી કોળિયો પહોંચે તે પહેલાં જ લાઈટ જતી રહે છે.
આ વીજ સંકટ અને વહીવટી ધાંધિયા સામે જૂનાગઢ જિલ્લાના હજારો ખેડૂતો સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જૂનાગઢ ચીફ અધિક્ષક ઈજનેર (SE) ની કચેરીએ પહોંચ્યા હતા અને અધિકારીઓને ફાનસ આપીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે અધિકારીઓ પાસે લોડ શેટિંગના નામે લાઈટ કાપવાના ધંધા બંધ કરવા અને નાના-મોટા વીજ પ્રશ્નોના કાયમી ઉકેલ માટે ચોક્કસ તારીખની માંગ કરી હતી, પરંતુ અધિકારીઓએ તારીખ આપવાની ના પાડી દીધી હતી. આઝાદીના ૭૫ વર્ષ પછી પણ જો વીજળી મેળવવા માટે પ્રજાએ આ રીતે ટોળાં વળીને રજૂઆતો કરવી પડતી હોય, તો પછી આપણે ચંદ્ર પર ક્યારે પહોંચીશું? હાથમાં ફાનસ પકડાવીને ભાજપ સરકાર ભારતને વિશ્વગુરુ બનાવવાની મોટી મોટી વાતો કરે છે, પણ વાસ્તવિકતામાં પ્રજા પર આફત આવી પડી છે. સરકારે સ્માર્ટ મીટર લાવતા પહેલાં ઘરો અને ખેતરો સુધી 'સ્માર્ટ લાઈટ' અને સ્માર્ટ વ્યવસ્થા આપવી જોઈએ, જેમાં વારંવાર ટ્રિપિંગ, ઝટકા કે લાઈટ જવાના ધાંધિયા ન હોય.
આમ આદમી પાર્ટી ગુજરાત