મુખ્ય સામગ્રી પર જાઓ

કતલખાનાઓને છૂટો દોર આપતી ભાજપ સરકારનો ધાર્મિક દંભ છતો થયો: સંજય બાપટ (AAP)

ગુજરાતમાં ૧૦,૭૩૫ રજિસ્ટર્ડ અને ૨,૧૭૬ ગેરકાયદે કતલખાનાઓ સાથે માંસનું ઉત્પાદન ૩૪,૦૦૦ મેટ્રિક ટનને પાર પહોંચ્યું.

કતલખાનાઓને છૂટો દોર આપતી ભાજપ સરકારનો ધાર્મિક દંભ છતો થયો: સંજય બાપટ (AAP)

અમદાવાદ / કચ્છ / ગુજરાત : પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને સમગ્ર રાજ્ય શિવભક્તિ તથા સાત્વિકતામાં લીન છે, ત્યારે જ ગુજરાતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓને કારણે માંસના વેપાર અને કતલખાનાઓને મળી રહેલા પ્રોત્સાહન સામે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા સંજય બાપટ દ્વારા ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સત્તાવાર આંકડાઓને ટાંકીને જણાવ્યું હતું કે, જે ગુજરાતને 'શાકાહારી અને અહિંસક રાજ્ય' તરીકે ઓળખવામાં આવે છે, તે જ ગુજરાતમાં કેન્દ્ર સરકારે ૧૦,૭૩૫ રજિસ્ટર્ડ કતલખાનાઓને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત રાજ્યમાં ૨,૧૭૬ જેટલા ગેરકાયદેસર કતલખાનાઓ પણ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે, જેના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં માંસનું ઉત્પાદન વધીને ૩૪,૦૦૦ મેટ્રિક ટનથી પણ વધુ થઈ ગયું છે.

વધુમાં અત્યંત શરમ અને ખેદ વ્યક્ત કરતાં ’આપ' નેતા સંજય બાપટે જણાવ્યું કે, જે ધર્મ અને સમાજ 'અહિંસા પરમો ધર્મ' અને 'જીવો અને જીવવા દો' ના સિદ્ધાંતને સર્વોપરી માને છે, તે જ સમાજમાંથી આવતા બે-બે ગૃહમંત્રીઓ એક કેન્દ્રમાં અને બીજા ગુજરાતમાં હર્ષ સંઘવી સત્તા પર બેઠા છે. આમ છતાં, રાજ્યમાં હજારો મૂંગા પશુઓને કતલખાને ધકેલવામાં આવી રહ્યા છે. આનાથી વધુ દુઃખદ અને શરમજનક બાબત બીજી કોઈ હોઈ ન શકે. ગૌરક્ષા અને હિન્દુત્વના નામે માત્ર મતો મેળવનારી ભાજપ સરકારમાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતા વાહનો પર 'કમળ' (ભાજપ)ના સ્ટીકરો લગાવીને અને મોટા હપ્તાઓ આપીને પશુઓને કતલખાને પહોંચાડવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં ભાજપ કાર્યાલયની બહાર પણ ગેરકાયદે નોન-વેજ વેચાણ ધમધમી રહ્યું છે. સંજય બાપટે જણાવ્યું હતું કે, ભાજપ સરકારના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે. એક તરફ શ્રાવણ માસમાં જનતા સાત્વિકતા પાળે છે અને બીજી તરફ સરકારના આશીર્વાદથી કસાઈઓને ખુલ્લો દોર આપવામાં આવી રહ્યો છે. હિન્દુત્વ અને અહિંસાના નામે રાજનીતિ કરતી ભાજપ સરકારનો આ દંભ હવે જનતા સામે ખુલ્લો પડી ગયો છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: AAP press release Gujarat politics illegal slaughterhouses in Gujarat Gujarat meat production 34000 metric tons Sanjay Bapat AAP Gujarat slaughterhouses

સંબંધિત સમાચાર