અમદાવાદ / ગાંધીનગર | આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે ગુજરાતમાં ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની હાલાકી ખૂબ જ દયનીય છે અને તેઓ સરકાર પાસે દુષ્કાળ જાહેર કરવાની વાજબી માંગ કરી રહ્યા છે. ખેડૂતોના આ હક અને ન્યાય માટે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી તેમજ અન્ય બિન-રાજકીય ખેડૂત આગેવાનો સતત લડાઈ લડી રહ્યા છે. આ લડતમાં વર્ષોથી ખેડૂતોના મુદ્દાઓ, કાયદાકીય બાબતો અને વિવિધ રજૂઆતો માટે સતત સંઘર્ષ કરતા ખેડૂત નેતા ભરતસિંહ ઝાલા પણ સક્રિય રીતે જોડાયેલા છે. ભરતસિંહ ઝાલાએ હંમેશાં શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે જ આંદોલનો કર્યા છે, જેનાથી ક્યારેય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ નથી. છતાં, તાજેતરમાં જ્યારે તેઓ ગુજરાતના ખેડૂતોના હિતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે રજૂઆત કરવા ગાંધીનગર સચિવાલય પહોંચ્યા, ત્યારે અત્યંત શરમજનક ઘટના સામે આવી હતી.
’આપ' નેતા પ્રવિણ રામે જણાવ્યું હતું કે, સચિવાલયમાં રજૂઆત કરવા ગયેલા ખેડૂત નેતા ભરતસિંહ ઝાલાને જાણવા મળ્યું કે તેમનું નામ નવા સચિવાલયના પ્રવેશ માટે બ્લેકલિસ્ટમાં મૂકી દેવામાં આવ્યું છે. આ કારણે તેમને અંદર જવાની પરવાનગી ન આપીને સચિવાલયની બહારથી જ આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું હતું. જે વ્યક્તિ નિઃસ્વાર્થ ભાવે ખેડૂતોના અધિકારો માટે લડે છે તેને સરકાર દ્વારા બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે છે, જ્યારે બીજી તરફ પીડિત ખેડૂતો માટે દુષ્કાળ જાહેર કરવામાં આવતો નથી. આ ઘટના પર આક્રોશ વ્યક્ત કરતા પ્રવીણ રામે ગુજરાતના તમામ ખેડૂતોને ભાવુક અપીલ કરી છે કે, જે સરકાર તમારા માટે લડનારા નેતાઓને બ્લેકલિસ્ટ કરે છે, તે ભાજપને હવે ખેડૂતોએ પણ બ્લેકલિસ્ટ કરવાનો સમય આવી ગયો છે. તેમણે ખેડૂતોને વિનંતી કરી હતી કે આવનારી દ્વારકા જિલ્લા પંચાયતની ચૂંટણીથી જ ભાજપને બ્લેકલિસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવે અને ખેડૂત વિરોધી શાસકોને યોગ્ય જવાબ આપવામાં આવે.
આમ આદમી પાર્ટી ગુજરાત