અમદાવાદ / રાજકોટ / ગુજરાત : આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી ખેડૂતોને સાથે લઈને જસદણ-વિંછીયાની મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. જસદણ-વિંછીયા તાલુકાના ગોડલાધાર ગામે ખાનગી કંપની દ્વારા વીજ લાઇન માટે વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા હોવાના મુદ્દે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ તકે વાત કરતાં બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, આજે જસદણ-વિંછીયા તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો કોઈપણ જાતિ કે સમાજના ભેદભાવ વિના એક મંચ પર એકત્ર થયા છે. ત્રણ દિવસ પહેલાં ગોડલાધાર ગામમાં ખાનગી કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોની સંમતિ અને પરવાનગી વિના ખેતરોમાં પ્રવેશ કરીને પાકને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તેમજ વીજપોલ ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, કંપની દ્વારા અત્યાર સુધીમાં આશરે 16 જેટલા વીજપોલ ઉભા કરી દેવામાં આવ્યા છે. જ્યારે છેલ્લો પોલ ઉભો કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ખેડૂતો દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમે અમારી ટીમ સાથે ખેડૂતોના ખેતરોમાં પહોંચ્યા અને કંપનીના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન જાણવા મળ્યું હતું કે, કેટલાક ખેડૂતોને પોતાના જ ખેતરોમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ નિર્ણય લેવાયો હતો કે ત્રણ દિવસ સુધી સંબંધિત ખેતરોમાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવશે નહીં. હાલ જેસીબી મશીનો, પોલીસ બંદોબસ્ત અને અધિકારીઓને પણ સ્થળ પરથી હટાવવામાં આવ્યા છે. બ્રિજરાજ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, કંપની દ્વારા કેટલાક ખેડૂતોને લાલચ આપીને કામગીરી આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, ગોડલાધાર સહિત જીવાપર અને આસપાસના ગામોના ખેડૂતો એકજૂટ થઈને પોતાના હકો માટે લડી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અમે સરકાર કે વીજ પ્રોજેક્ટના વિરોધમાં નથી. પરંતુ ખેડૂતોના હિતો સાથે કોઈપણ પ્રકારનો અન્યાય સહન કરવામાં આવશે નહીં. ખેડૂતોને યોગ્ય અને ન્યાયસંગત વળતર ચૂકવવામાં આવશે ત્યારબાદ જ વીજપોલ ઉભા કરવાની કામગીરીને મંજૂરી આપવામાં આવશે. ખેડૂતોના હક અને અધિકારોની રક્ષા માટે અમારી લડત સતત ચાલુ રહેશે. ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને અમે સ્પષ્ટ માંગણીઓ રજૂ કરી છે. ખેડૂતોને વીજ ટાવર માટે પ્રતિ ટાવર રૂ. 2 કરોડનું વળતર આપવામાં આવે તેમજ વીજ તાર પસાર કરવા માટે રૂ. 1 કરોડનું વળતર ચૂકવવામાં આવે. જો આ માંગણીઓ સ્વીકાર્ય ન હોય, તો જે ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે અથવા થવાના છે, તેમને દર મહિને રૂ. 50 હજારનું ભાડું ચૂકવવામાં આવે.
આપ નેતા બ્રિજરાજ સોલંકીએ વધુમાં જણાવ્યું હતુ કે જો આ વિકલ્પ પણ સ્વીકાર્ય ન હોય, તો ખેડૂતોની જમીન હાલની જંત્રી કિંમત કરતાં બમણા ભાવે ખરીદવામાં આવે. અમારી મુખ્ય માંગ એટલી જ છે કે ખેડૂતોના હિતો સાથે કોઈપણ પ્રકારનો અન્યાય ન થવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, આજે જે વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે, તે ભવિષ્યમાં જાળવણી અને મરામત માટે પણ ઉપયોગમાં આવશે. કંપનીના કર્મચારીઓ હેલિકોપ્ટર કે અન્ય કોઈ હવાઈ માર્ગે નહીં આવે, પરંતુ ખેડૂતોના ખેતરોમાંથી પસાર થઈને જ કામગીરી કરશે. પરિણામે ઊભા પાકને નુકસાન થવાની સંભાવના રહેશે. તેથી વીજપોલ માટે લેવામાં આવતી જમીન ઉપરાંત ત્યાં સુધી પહોંચવા માટે બનાવવામાં આવતા રસ્તાનું પણ યોગ્ય વળતર ખેડૂતોને ચૂકવવામાં આવવું જોઈએ. બ્રિજરાજ સોલંકીએ મામલતદારને સંબોધતા જણાવ્યું હતું કે, જો સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત ન હોય તો પણ તાત્કાલિક ધોરણે પોલીસ અને કંપનીને સૂચના આપવામાં આવે કે આ કામગીરી બંધ કરવામાં આવે. અમે શાંતિપૂર્ણ અને ગાંધી ચિંધ્યા માર્ગે અમારી રજૂઆત કરી રહ્યા છીએ. અમારો કોઈ ઉગ્ર વિરોધ કે અથડામણ કરવાનો ઈરાદો નથી. જરૂર જણાય તો જિલ્લા કલેક્ટર અથવા કંપનીના માલિકો સાથે પણ ચર્ચા કરી શકાય છે. અમે અહીં અમારા પ્રશ્નોના નિરાકરણની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, જો ખેડૂતોની માંગણીઓને અવગણીને ખેતરોમાં કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવશે, તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે મજબૂર બનશે. આ સાથે તેમણે મીડિયા સમક્ષ ગામના નકશા રજૂ કરતાં આક્ષેપ કર્યો હતો કે જીવાપર ગામમાં જ્યાં સત્તાધારી પક્ષના સમર્થકો અથવા ભાજપ સાથે સંકળાયેલા લોકોના ખેતરો આવેલાં છે, ત્યાંથી વીજ લાઈનો પસાર કરવામાં આવી નથી. જ્યારે અન્ય ખેડૂતોના ખેતરોમાંથી વીજ લાઈન પસાર કરવાની યોજના બનાવવામાં આવી છે. આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ખેડૂતોને ન્યાય અપાવવામાં આવે તેવી અમારી માંગ છે. કેટલાક ખેડૂતોના ખેતરોને બચાવવા માટે વીજ લાઇનનો રૂટ બદલવામાં આવ્યો હોવાનું જોવા મળે છે, જ્યારે અન્ય ખેડૂતોના ખેતરોમાંથી લાઇન પસાર કરીને તેમને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મામલે પારદર્શકતા રાખવામાં આવે અને તમામ ખેડૂતો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે તેવી અમારી માંગ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ લડત માત્ર એક કે બે ખેડૂતોની નથી. જેમના ખેતરોમાં વીજ થાંભલાઓ ઉભા કરવામાં આવ્યા છે અથવા થવાના છે તે તમામ ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે અમે લડી રહ્યા છીએ. સરકાર અને કંપનીઓ અન્ય વિસ્તારોમાં ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવે છે, તો અહીંના ખેડૂતોને પણ ન્યાય મળવો જોઈએ. હું હંમેશા કહું છું કે માંગવાથી માત્ર ભીખ મળે છે. પોતાના હક અને અધિકાર મેળવવા માટે સામેવાળાની છાતી ઉપર પગ રાખીને પણ છીનવી લેવા પડે.