અમદાવાદ : વર્તમાન સમયમાં ગુજરાતી સિનેમા એક ગોલ્ડન ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં કન્ટેન્ટ-ડ્રિવન વાર્તાઓ અને દર્શકોના ભરપૂર પ્રેમને કારણે ઇન્ડસ્ટ્રી નવી ઊંચાઈઓ સર કરી રહી છે. તાજેતરમાં ધમાકેદાર ટીઝર લોન્ચ કર્યા બાદ, હવે EForU Entertainment પ્રસ્તુત અને બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ પ્રોડક્શનની મોસ્ટ અવેટેડ ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ચટણી'નું રોમેન્ટિક અને મનોહર ગીત 'પંખીડા'સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યું છે.
આ સુંદર મેલોડિયસ ગીતને જાણીતા ગાયક જિગરદાન ગઢવીના મધુર અવાજમાં રજૂ કરવામાં આવ્યું છે. ગીતનું ભાવસભર સંગીત રાહુલ મુંજરીયા દ્વારા આપવામાં આવ્યું છે, જ્યારે તેના હૃદયસ્પર્શી બોલ મિલિંદ ગઢવી દ્વારા લખવામાં આવ્યા છે. ગીતના વિઝ્યુઅલ્સમાં રીયલ લાઈફ ક્યુટ કપલ મલ્હાર ઠાકર અને પૂજા જોશી વચ્ચેની શાનદાર કેમિસ્ટ્રી અને પ્રેમની મીઠાશ સ્પષ્ટપણે જોઈ શકાય છે. લગ્ન પછી પ્રથમ વખત મોટા પડદા પર એકસાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહેલી આ લોકપ્રિય જોડીની ઓન-સ્ક્રીન મેજિકે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
અનેક સુપરહિટ ફિલ્મો આપનાર સુપ્રસિદ્ધ દિગ્દર્શક સંદીપ પટેલના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મ વિશે વાત કરતા નિર્માતાઓએ જણાવ્યું હતું કે, "જે રીતે ભારતીય થાળીમાં 'ચટણી' સ્વાદમાં વધારો કરે છે, તે જ રીતે આ ફિલ્મ પણ હાસ્ય, કૌટુંબિક લાગણીઓ અને મનોરંજનનો પરફેક્ટ સમન્વય સાબિત થશે. ગીત 'પંખીડા' એ ફિલ્મની પ્રેમકથા અને લાગણીઓની એક સુંદર ઝલક છે."
દિગ્દર્શક સંદીપ પટેલ અને હર્ષ શોધન દ્વારા લખાયેલી આ વાર્તામાં મલ્હાર ઠાકર અને પૂજા જોશી ઉપરાંત પ્રશાંત બારોટ, હેતલ મોદી, સ્મિત જોશી, પ્રેમલ યાજ્ઞિક, મનિષા ત્રિવેદી અને આકાશ ઝાલા જેવા અનુભવી કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. EForU Entertainment અને બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ પ્રોડક્શનની આ ફિલ્મમાં પ્રશાંત મોદી, નિલેશ મોદી, અમિત વેડાવાલા અને હર્ષ પટેલ નિર્માતા છે, જ્યારે મલ્હાર ઠાકર અને પૂજા જોશી પોતે કો-પ્રોડ્યુસર પણ છે.
રિલીઝ થતાં જ 'પંખીડા' સોંગે સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર દર્શકોનો ભરપૂર પ્રેમ મેળવવાનું શરૂ કરી દીધું છે. માનવીય સંબંધો અને પ્રેમની સુંદર ક્ષણોની વાર્તા દર્શાવતી ફિલ્મ 'ચટણી' આવતી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ થી તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.