વાસદ: ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા (PEFI) દ્વારા હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની યાદમાં રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ 2.0નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રાષ્ટ્રીય રમતોત્સવના ભાગરૂપે ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ, વાસદના નેજા હેઠળની વિવિધ સંસ્થાઓના 2000થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ, વાસદ સંચાલિત વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં SVIT દ્વારા વોલીબોલ, SVION દ્વારા કબડ્ડી, COA-SVIT દ્વારા બાસ્કેટબોલ, SVICA દ્વારા ટેબલ ટેનિસ અને SVIT (Diploma) દ્વારા કેરમની સ્પર્ધાઓ યોજાઈ હતી. આમ, કુલ બે વ્યક્તિગત ઇન્ડોર રમતો તથા ત્રણ આઉટડોર ટીમ ઇવેન્ટ્સ સહિત પાંચ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર રમતોત્સવનું આયોજન નોડલ ઓફિસર ડૉ. રાહુલ મહેતા, શ્રી તાહા પાદરાવાલા, શ્રી અભય પરમાર, શ્રી સદરુલ વડાલકર તથા શ્રી ઘનશ્યામ ઠાકરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજનમાં SVITના સ્પોર્ટ્સ ડિરેક્ટર તથા PEFI ગુજરાત ચેપ્ટરના જોઈન્ટ સેક્રેટરી ડૉ. વિકાસ અગ્રવાલનો વિશેષ સહયોગ રહ્યો હતો.
આ વિવિધ સ્પર્ધાઓમાં 2000થી વધુ ખેલાડીઓએ ભાગ લઈને રમતગમત પ્રત્યેનો ઉત્સાહ તથા પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાના અંતે તમામ ભાગ લેનાર ખેલાડીઓને PEFI દ્વારા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે વિજેતા ખેલાડીઓને ઇનામો તથા પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
PEFI ગુજરાત ચેપ્ટરના અધ્યક્ષ ડૉ. અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે, “આજના યુવાનોને મોબાઇલની અતિશયતા અને નશા જેવા દૂષણોથી દૂર રાખવામાં રમતગમત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. રમતગમત દ્વારા યુવાનો શારીરિક અને માનસિક રીતે મજબૂત બને છે. સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાથી દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઓછામાં ઓછી એક રમત સાથે જોડાયેલા રહેવું અને નિયમિતપણે રમતગમતમાં ભાગ લેવો જોઈએ.”
ઇનામ વિતરણ સમારોહ દરમિયાન SVIT, વાસદના અધ્યક્ષ શ્રી ભાવેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, “SVIT ખાતે વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણની સાથે રમતગમત તથા અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ માટે પણ પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેના પરિણામે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે અને તેઓ ભવિષ્યમાં સારા નાગરિક બની રાષ્ટ્રની સેવા કરી શકે છે.”
આ પ્રસંગે રમતગમતના મેદાન પર ઉપસ્થિત રહી કોલેજના આચાર્ય ડૉ. ડી. પી. સોની દ્વારા વિદ્યાર્થીઓ તથા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમના અંતે વિજેતા ખેલાડીઓને ઇનામો તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે SVIT, વાસદના અધ્યક્ષ શ્રી ભાવેશભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી શંભુભાઈ પટેલ, મંત્રી શ્રી દીપકભાઈ પટેલ, ખજાનચી શ્રી કિશોરભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી. પી. સોની તથા સમગ્ર SVIT પરિવાર દ્વારા ડૉ. વિકાસ અગ્રવાલ અને વિજેતા ખેલાડીઓને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ તેમજ રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.