મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સામાજિક-જાહેર હેતુઓ અને ગ્રામીણ વિકાસના પ્રકલ્પોને વધુ ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે જમીન ગ્રાન્ટ કરવા અંગે જિલ્લા કલેક્ટર તેમજ ગામતળના પ્લોટ માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.ઓ.ની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે હંમેશા ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ આપવા સાથે વહિવટી પ્રક્રિયામાં સુધારા અને વ્યાપક સરળીકરણનો અભિગમ અપનાવ્યો છે.
આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું લઈને મુખ્યમંત્રીશ્રીએ સરકારી જમીન ફાળવણી કામગીરી ઝડપી બનાવવા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સત્તામર્યાદા વધારી આપી છે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર, જિલ્લા કલેક્ટરશ્રીઓની સત્તામર્યાદામાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં:
* રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશનને ૨ હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે કલેક્ટરશ્રીની નાણાંકીય સત્તામર્યાદા રૂ. ૧૫ લાખથી વધારીને રૂ. ૧ કરોડ કરવામાં આવી છે.
* કેન્દ્ર સરકારના વિભાગોને (જાહેર હેતુ) માટે ૧ હેક્ટર સુધીની જમીન માટે નાણાંકીય સત્તામર્યાદા રૂ. ૧૫ લાખથી વધારીને રૂ. ૫૦ લાખ કરવામાં આવી છે.
* (સરકારી કર્મચારી/વ્યક્તિગત) રહેણાંક હેતુની જમીન ફાળવણી માટે નાણાંકીય સત્તામર્યાદા રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૨૦ લાખ કરવામાં આવી છે.
* સહકારી ગૃહ નિર્માણ મંડળીઓને જમીન ફાળવણીની નાણાંકીય સત્તામર્યાદા રૂ. ૬ લાખથી વધારીને રૂ. ૫૦ લાખ કરવામાં આવી છે.
* વ્યાપારિક હેતુ માટે (હરાજીથી) જમીન ફાળવણીની નાણાંકીય સત્તામર્યાદા રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૫ લાખ કરાઈ છે.
* સહકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓ: સત્તામર્યાદા રૂ. ૩ લાખથી વધારીને રૂ. ૧૫ લાખ સુધી વધારવામાં આવી છે.
આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓની ગામતળ પ્લોટ ફાળવણીની સત્તામાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં
* વ્યક્તિગત રહેઠાણ: સત્તામર્યાદા રૂ. ૨૦,૦૦૦ થી વધારીને રૂ. ૧,૦૦,૦૦૦ કરવામાં આવી છે.
* સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ: સત્તામર્યાદા રૂ. ૧.૫ લાખથી વધારીને રૂ. ૭.૫ લાખ કરાઈ છે.
* દૂધ મંડળીઓ / સહકારી ગોડાઉન / ગ્રામીણ ગ્રીડ: સત્તામર્યાદા રૂ. ૨૦,૦૦૦ થી વધારીને રૂ. ૧,૦૦,૦૦૦ કરાઈ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે હવે જિલ્લા કક્ષાએ જ નિકાલ શક્ય બનશે. તેમજ સ્થાનિક કક્ષાએ જમીનનો રેકોર્ડ અને સ્થળ સ્થિતિ ઉપલબ્ધ હોવાથી વહીવટી પ્રક્રિયા ટૂંકી બનશે. વધુમાં આ નિર્ણયથી સરકારી પ્રોજેક્ટો તથા ઔદ્યોગિક-સામાજિક હેતુ માટે સરકારી જમીની ફાળવણી વધુ ઝડપથી થશે તથા વિકાસ કાર્યો અને રોજગારીને વેગ મળશે. અને તેના કારણોસર સરકારી જમીનની કબજાકિંમત/પ્રીમિયમની રકમ વહેલી તકે સરકારી તિજોરીમાં જમા થશે.
સ્થાનિક કક્ષાએ જ કલેક્ટર અને ડી.ડી.ઓ. પાસે નિર્ણય લેવાની સત્તા હોવાથી અરજદાર સંસ્થાઓ, વિભાગોને જિલ્લા કક્ષાએથી જ ફોલો-અપ લેવું વધુ સરળ બનશે.
રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશન તથા ભારત સરકારના ખાતાઓને જમીન ફાળવણી માટે કલેક્ટરે જનરેટ કરેલ ઈન્ટિમેશન પછી કબ્જાકિંમત/પ્રીમિયમ ૯૦ દિવસ સુધીમાં ભરપાઈ ન થાય, તો જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની ત્રણ વર્ષની અવધિ પૂર્ણ થાય ત્યાં સુધી મુદત વધારો આપવાની સત્તા કલેક્ટરને મળવાથી કામનું પુનરાવર્તન ઘટશે.