મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલ "નમો સ્વચ્છતા અભિયાન" અંતર્ગત આજે રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં છઠા દિવસે રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં ૩૮ હજારથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે અને કુલ ૪.૪૭ લાખથી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે, જેના પરિણામે ૧૬૫ જેટલા ઓરડાઓ ખાલી થયા છે, જે આગામી સમયમાં દર્દીઓની સુવિધા માટે ઉપયોગમાં લઈ શકાશે. જ્યારે બાકી રહેલી બિનઉપયોગી વસ્તુઓની નિયમાનુસાર નિકાલ કરવાની કામગીરી પ્રગતિમાં છે.
આ ઉપરાંત અભિયાનના છઠા દિવસે અંદાજે ૨૩ હજારથી વધુ વસ્તુઓ જેવી કે લાકડા/લોખંડના ફર્નિચર, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, ઈલેક્ટ્રોનિક્સ/આઈ.ટી. ઉપકરણો અને તબીબી ઉપકરણોનું સફળતાપૂર્વક સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, છ દિવસમાં અત્યાર સુધી રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં કુલ ૫,૪૯,૮૯૭ લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે અને ૫,૦૩,૩૨૯ લાખથી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે, જેના પરિણામે કુલ ૧,૬૭૭ જેટલા ઓરડાઓ ખાલી થયા છે, જે આગામી સમયમાં ઉપયોગમાં લઈ શકાશે. આ ઉપરાંત અંદાજે ૩૪,૧૬૬ જેટલું લાકડા/લોખંડના ફર્નિચર, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, ઈલેક્ટ્રોનિક્સ/આઈ.ટી. ઉપકરણો અને તબીબી ઉપકરણોનું સફળતાપૂર્વક રીપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ સઘન અભિયાન હેઠળ મુખ્યત્વે હોસ્પિટલ પરિસરમાંથી સ્ક્રેપ,ભંગાર, જંક અને બિનઉપયોગી મટીરીયલનો યોગ્ય નિકાલ, બિલ્ડીંગ તથા કેમ્પસની સઘન સાફ-સફાઈ, શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા અને પાઈપલાઈનનું જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હોસ્પીટલમાં દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર અને ઈલેક્ટ્રિકલ સેફ્ટી, ફર્નિચરનું સમારકામ, માઈનર સીવીલ વર્કસ તેમજ ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ જેવી અત્યંત મહત્વપૂર્ણ કામગીરીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત GMERS ઓડિટોરિયમ ખાતેથી આ "નમો સ્વચ્છતા અભિયાન"નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ સફાઈ મહાઅભિયાન તા. ૧ થી ૭ જુલાઈ, ૨૦૨૬ સુધી સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહ્યું છે.