રાજપીપલા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સુકા ગામે આત્મા (ATMA) પ્રોજેક્ટ અંતર્ગત કિસાન ગોષ્ઠી અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવાનો, રાસાયણિક મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવાનો તેમજ ખેતી ખર્ચ ઘટાડીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન તરફ માર્ગદર્શન આપવાનો હતો.
પરિસંવાદ દરમિયાન કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત અને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં જીવામૃત, ઘનજીવામૃત તૈયાર કરવાની પદ્ધતિ, પાક સંરક્ષણ માટેના પ્રાકૃતિક ઉપાયો, જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો તેમજ પ્રાકૃતિક ખેતીના લાંબા ગાળાના લાભો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતો પણ જોડાયા હતા. તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ મળેલા સકારાત્મક પરિણામો, ઉત્પાદનની ગુણવત્તામાં થયેલા સુધારા, ખેતી ખર્ચમાં થયેલા ઘટાડા તેમજ પોતાના અનુભવો અન્ય ખેડૂતો સાથે વહેંચીને તેમને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા પ્રેરિત કર્યા હતા.
આ કિસાન ગોષ્ઠીમાં સુકા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને મહિલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપસ્થિત ખેડૂતો દ્વારા નિષ્ણાતો સાથે પ્રશ્નોત્તરી કરી વિવિધ ખેતીલક્ષી સમસ્યાઓના ઉકેલો અંગે પણ માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું.