ગુજરાત રાજ્યમાં છેવાડાના લોકો સુધી ટેક હોમ રાશન, શ્રી અન્ન તેમજ સરગવામાથી બનતી પોષણયુકત વાનગીઓ વિશેની જાગૃતતા કેળવાય તે માટે રાજ્યભરમાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજપીપળા સ્થિત ટાઉન હોલ ખાતે નર્મદાનો જિલ્લાકક્ષાના ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ અને ‘કિશોરી મેળો’ યોજાયો.
કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું કે, બાળકો અને માતાના સ્વાસ્થ્યમાં દેશનું સુરક્ષિત ભવિષ્ય રહેલું છે. તેમાં આંગણવાડીની બહેનો સ્વસ્થ સમાજ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આજની તંદુરસ્તી એ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ સાથે ઉપસ્થિત કિશોરીઓ અને મહિલાઓને ટેક હોમ રાશન અને મિલેટના ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.
પૌષ્ટિક વાનગી સ્પર્ધા અંતર્ગત જિલ્લાના દેડિયાપાડા, નાંદોદ, સાગબારા, ગરૂડેશ્વર અને તિલકવાડાના વિવિધ ઘટકોની આંગણવાડીની બહેનો દ્વારા ૬ સ્ટોલ પર કુલ-૪૫ જેટલી શ્રીઅન્ન અને ટેક હોમ રાશન એટલે કે માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ માંથી બનાવેલ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધામાં નિદર્શન કરવામાં આવ્યું હતું.
શ્રી અન્નમાંથી બનાવેલ પિઝા, રાગીના લોટમાંથી કેક, મિક્સ મિલેટ માંથી ઈડલી એ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા હતા. આ સાથે પૂર્ણા શક્તિ માંથી બનાવેલ કેક, મંચુરિયન, બરફી, લાડુ જ્યારે બાળશક્તિ માંથી બનાવેલ આલુપરોઠા અને ગુલાબજાંબુ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તમામ વાનગીઓનો સ્વાદ માણી પૌષ્ટિકતા અને સ્વાદના પરિમાણોને ધ્યાને રાખીને ગુણ આપવામાં આવ્યા હતા. તમામને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ટેક હોમ રાશનમાંથી વાનગી સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર લીમડી આંગણવાડી કેન્દ્રના તડવી ગુણવતીબેનને પૂર્ણા શક્તિમાંથી કેક, નાંદોદ તાલુકાના કકૂવાળાના વસાવા શર્મિલાબેનને બાળશક્તિમાંથી ગુલાબજામુન અને નાની રાવલના વૈશાલીબેન તડવીએ પૂર્ણા શક્તિમાંથી હાંડવો બનાવી શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ક્રમશઃ પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જ્યારે શ્રીઅન્ન શ્રેણીમાં ચુડેશ્વર- તિલકવાડા ઘટકમાંથી વસાવા લક્ષ્મીબેને બાજરીમાંથી સુખડી, પાટ કેન્દ્ર સાગબારા ઘટક-૧ના વસાવા પ્રજ્ઞાબેને મિલેટ-સરગવાની ઇડલી અને કેવડિયા ઘટક-૨ના તડવી શર્મિષ્ટાબેનને રાગીની ઈડલી બનાવી ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ ક્રમશઃ પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.
કિશોરી મેળા અંતર્ગત આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી આઇસીડીએસ, બાલ સુરક્ષા એકમ, મહિલા બાળ વિકાસ વિભાગ, આઇસીડીએસ, સખી વન સ્ટોપ સેન્ટર, બાળકો અને મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ, એડોલ્સન એડ્યુકેશન, મેન્સ્ટ્રુઅલ હાયજીન જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે માતૃ શક્તિ, પુર્ણા શક્તિ અને બાળ શક્તિ સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓ દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા.
અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટેકરા ફળિયાની આરોગ્ય ટીમ દ્વારા આરોગ્ય તપાસ શિબિર યોજવામાં આવી હતી. તેમાં મુખ્યત્વે કિશોરીઓના લોહીની તપાસ કરી ઉણપ જણાતા સ્થળે જ જરૂરી દવાઓ આપવામાં આવી હતી.