આણંદ જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. એસ. બી. ઉપાધ્યાયે આણંદ જિલ્લાના પશુપાલકોને જણાવ્યું છે કે, આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ખરવા મોવાસા નિયંત્રણ જાગૃતિ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે, તદઅનુસાર આણંદ જિલ્લાના પશુપાલકોએ ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે વરસમાં બે વખત સમયસર પશુઓનું રસીકરણ કરાવવું જોઈએ.
ડો. ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું કે પશુઓમાં જોવા મળતા ચિન્હો વિષાણુઓથી થતો ચેપી રોગ, પશુઓને તાવ આવે, મોઢામાંથી લાળ પડે, મુખમાં અને ખરીમાં ચાંદા પડે, પશુ લંગડાય, દુધાળા પશુના દૂધ ઉત્પાદનમાં કાયમી ઘટાડો થાય, બળદની કાર્યક્ષમતામાં કાયમી ઘટાડો થાય, પશુની ગરમી સહન કરવાની શક્તિ ઘટી જાય અને ગાભણ પશુ તરવાઈ જાય આ બધા રોગ જણાય તો આવા પશુઓને ખરવા મોવાસાના ચિન્હો છે તેમ ગણી શકાય. તેથી ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે હાલ આણંદ જિલ્લામાં ચાલી રહેલ જાગૃતિ સપ્તાહ અંતર્ગત તમામ પશુપાલકો પોતાના પશુઓનું રસીકરણ કરાવે તે જરૂરી છે અને ખરવા મોવાસા રોગમુક્ત ભારત અભિયાન તરફ પ્રતિજ્ઞા લઈને આ જાગૃતિ સપ્તાહમાં તમામ પશુપાલકો સહભાગી બને તેવી ડો. ઉપાધ્યાયે આણંદ જિલ્લાના પશુપાલકોને અપીલ પણ કરી છે.