અમદાવાદ / રાજકોટ / ભાવનગર / ગુજરાત : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ વિડીયોના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ફરીવાર NEETનું પેપર લીક થયું તે બદલ તમામ 23 લાખ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. આ પહેલા 2017, 2021 અને 2024માં પણ NEETનું પેપર લીક થયું હતું. સરકાર અને તંત્રની મિલીભગતથી આ થાય છે. નેતાઓ, ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને NEET માફિયાઓ પેપર લીક કરીને હજારો કરોડોનો ધંધો કરે છે. આ લોકો તમામ જાતિ-ધર્મના, ગરીબોના અને મધ્યમવર્ગના યુવાનોના ભવિષ્યને ધુંધળું બનાવવાનું કામ કરે છે. અગાઉ જે પેપર લીક થયા હતા તેના ગુનેગારો ક્યાં છે? એના એક પણ ગુનેગાર જેલમાં નથી.
વધુમાં AAPના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે આ લોકો પેપર સરખી રીતે નથી લઈ શકતા તો સરકાર કઈ રીતે ચલાવશે? મારુ માનવું છે કે આ સરકાર સદંતર રીતે નિષ્ફળ ગઈ છે, હવે યુવાનોએ મેદાને આવવું પડશે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને માનવા વાળો દેશ છે, તો ક્યાં સુધી આપણે જિંદાબાદ મુર્દાબાદ કરીશું? હવે રોડ રસ્તા પર ઉતરીને આંદોલન કરવું પડશે. કારણ કે સરકાર સીધી રીતે નહીં માને પરંતુ જનાંદોલન થશે તો જ સરકાર માનશે. આખી આમ આદમી પાર્ટી યુવાનોની સાથે છે. પેપર લીકના ગુનેગારોને દસ વર્ષની સજા ફટકારવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. ગુજરાતમાં પણ 2014થી લઈને 2024 સુધી 34 પેપર લીક થયા હતા. તો હવે જનતાએ પોતાની આત્મા જગાડવાની છે.
આમ આદમી પાર્ટી ગુજરાત