મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ન્યૂઝીલેન્ડના ૯ સભ્યોના ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી. ન્યુઝીલેન્ડના કૃષિ, વન અને વાણિજ્ય મંત્રી તથા વિદેશી બાબતોનાં એસોસિયેટ મંત્રી શ્રી ટોડ મેકક્લે તેમજ ભારત સ્થિત ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર શ્રી પેટ્રિક રાતાનાં નેતૃત્વમાં ૯ સભ્યોનું પ્રતિનિધિમંડળ ગુજરાત સાથે વ્યૂહાત્મક પાર્ટનરશીપ માટે મુખ્યમંત્રીશ્રીની મુલાકાતે આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠકમાં તેમણે ગુજરાત સાથે કૃષિ, ડેરી ઉદ્યોગ, સહકાર, રિન્યૂએબલ એનર્જી, પ્રવાસન ક્ષેત્રે સહકાર અને બંને દેશોના લોકોમાં પરસ્પર લાંબાગાળા સુધી સૌહાર્દપૂર્ણ રીતે સાંસ્કૃતિક સંબંધો આગળ વધે તે માટે ઉત્સુકતા દર્શાવી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ડેલિગેશનને આવકારતા કહ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લિડરશીપમાં ભારત-ન્યૂઝીલેન્ડના સંબંધો વિકસ્યા છે. ગુજરાત આ દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ ધપાવશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ગાય આધારિત ખેતીથી ખેડૂતોની આવક બમણી કરવા માટેનું તેમનું વિઝન શેર કર્યું હતું. વધુમાં, ગુજરાત અને ન્યુઝીલેન્ડને કૃષિ-સહકાર અને ડેરી ક્ષેત્રે લાભદાયી એવા ‘ખેડૂત વિનીમય કાર્યક્રમ (ફાર્મર એક્સચેંજ પ્રોગ્રામ)’ શરૂ કરવા પર ભાર મૂક્યો હતો.
ન્યૂઝીલેન્ડ ડેરી ટેકનોલૉજીમાં અગ્રણી દેશ છે. ડેરી વિકાસમાં આ ટેકનોલૉજીનો લાભ ગુજરાતને પણ મળે તે માટે મુખ્યમંત્રીશ્રીએ કૃષિ, ડેરી ઉદ્યોગ, પશુપાલન અને સહકારી ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની નવીનતમ વિચારસરણીને પોષવા માટે સમયાંતરે બેઠકો અને વર્કશોપ યોજાય તેવી ઈચ્છા પણ ડેલીગેશન સમક્ષ વ્યક્ત કરી હતી.