એક મોટા નિર્ણયમાં, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા સમન સેહરાવતને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. આ પ્રતિબંધ સાથે, અમન આગામી એક વર્ષ સુધી કુસ્તી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે નહીં. ગયા વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં જ્યારે અમન બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, ત્યારે તે ઓલિમ્પિક મેડલ જીતનાર સૌથી નાની ઉંમરનો ભારતીય બન્યો હતો. અમને માત્ર 21 વર્ષ અને 24 દિવસની ઉંમરે ઓલિમ્પિક મેડલ જીત્યો હતો.
WFI એ આ કારણસર આ પગલું ભર્યું
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) એ અમન સેહરાવતને સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી સ્પર્ધા કર્યા વિના બહાર થઈ ગયા બાદ એક વર્ષ માટે કુસ્તીમાંથી પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો. પુરુષોની ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા વજન શ્રેણીમાં ભાગ લેવાનો કાર્યક્રમ ધરાવતા અમનને નિર્ધારિત વજન મર્યાદા કરતાં 1.7 કિગ્રા વજન વધારે હોવાનું જાણવા મળતાં ઇવેન્ટના એક દિવસ પહેલા સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, WFI એ અમનને પ્રતિબંધિત કરતો પત્ર પણ મોકલ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, "કારણ બતાવો નોટિસની તારીખથી એક વર્ષ માટે તમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કુસ્તી સંબંધિત બધી પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. આ નિર્ણય અંતિમ છે. સસ્પેન્શનના સમયગાળા દરમિયાન, તમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે WFI દ્વારા આયોજિત અથવા મંજૂર કરાયેલ કોઈપણ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અથવા તેમાં જોડાવાથી પ્રતિબંધિત કરવામાં આવે છે."
અમન સેહરાવત પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો
રેસ્લિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 23 સપ્ટેમ્બર, 2025 ના રોજ અમન સેહરાવતને કારણ બતાવો નોટિસ જારી કરીને ખુલાસો માંગ્યો હતો. ફેડરેશને હવે જણાવ્યું છે કે શિસ્ત સમિતિએ 29 સપ્ટેમ્બરના રોજ આપેલા તેના જવાબની યોગ્ય સમીક્ષા કરીને અમનનો જવાબ અસંતોષકારક માન્યો છે. વધુમાં, મુખ્ય કોચ અને સહાયક કોચિંગ સ્ટાફ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી હતી, જેના પગલે કડક શિસ્તભંગના પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ નોંધવું જોઇએ કે અમન હવે 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન યોજાનારી 2026 ની એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં, અને ત્યાં સુધી તેનો પ્રતિબંધ હટાવવામાં આવશે નહીં.


