મુખ્ય સામગ્રી પર જાઓ

પર્યાવરણ સુરક્ષા તરફ નર્મદાનું કદમ: સુંદરપુરામાં 'વન કવચ' હેઠળ ૨૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર

પર્યાવરણના જતન અને હરિયાળા નર્મદા જિલ્લાના નિર્માણ માટે, રાજ્ય સરકારના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામ સ્થિત ગીતા આશ્રમ શાળામાં 'વન કવચ' વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

પર્યાવરણ સુરક્ષા તરફ નર્મદાનું કદમ: સુંદરપુરામાં 'વન કવચ' હેઠળ ૨૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર

રાજપીપલા, શુક્રવાર:- વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ સામાજિક વનીકરણ વિભાગ, રાજપીપળા દ્વારા ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન અંતર્ગત માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતા તેમજ માનનીય ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિ માં નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામ સ્થિત ગીતા આશ્રમ શાળામાં ‘વન કવચ’ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે માન. સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, પ્રકૃતિનું જતન અને પર્યાવરણનું સંરક્ષણ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન અંતર્ગત વ્યાપક વૃક્ષારોપણના ભાગરૂપે નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ‘વન કવચ’નું નિર્માણ કરીને હરિયાળું અને પર્યાવરણમૈત્રી જિલ્લો બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વૃક્ષો જીવનનો આધાર છે, તેથી દરેક વ્યક્તિએ વૃક્ષોનું વાવેતર કરવાની સાથે તેનું જતન પણ કરવું જોઈએ. નર્મદા જિલ્લો શિક્ષણ, આરોગ્ય સહિત અનેક ક્ષેત્રોમાં સતત વિકાસ કરી રહ્યો છે અને યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઉપલબ્ધ થાય તે માટે સૌએ સંકલ્પબદ્ધ બનવું જોઈએ.

કાર્યક્રમ દરમિયાન સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષકશ્રી જીગ્નેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના તમામ છ તાલુકાના વિવિધ ગામોમાં મળીને 15 લાખથી વધુ વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવેલ છે. દરેક ગામમાં ‘વન કવચ’ ઉભું કરીને સ્થાનિક નાગરિકોને પર્યાવરણ અને જૈવ વૈવિધ્યનો લાંબા ગાળાનો લાભ મળે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં જિલ્લામાં 13 જેટલા વન કવચ તૈયાર કરવામાં આવ્યા છે.

કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે સુંદરપુરા ખાતે વિકસાવવામાં આવેલા વન કવચમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ ઉત્સાહભેર જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026-27 દરમિયાન નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામમાં 2 હેક્ટર વિસ્તારમાં કુલ 20,000 રોપાઓના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 71 પ્રકારની વૃક્ષ પ્રજાતિઓ તથા 18 પ્રકારના શ્રુપ (ઝાડીવર્ગ)ના છોડનું વાવેતર કરવામાં આવશે. 

આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક શ્રી ગૌરવ પ્રજાપતિ, તાલુકા પંચાયતના સદસ્યો, સુંદરપુરા ગામના સરપંચ શ્રી શાંતિલાભાઈ, રાજપીપળા નગરપાલિકાના સદસ્યો, જિલ્લા આદિવાસી મોરચાના પ્રમુખશ્રી, આગેવાનો, સ્થાનિક ગ્રામજનો તેમજ આશ્રમ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags: પર્યાવરણ સંરક્ષણ રાજપીપલા મનસુખભાઈ વસાવા એક પેડ માં કે નામ 3.0 વૃક્ષારોપણ સામાજિક વનીકરણ નર્મદા જિલ્લો Mansukhbhai Vasava tree plantation Van Kavach Narmada district Environmental conservation Gujarat Ek Ped Maa Ke Naam campaign Gujarat Tree plantation drive Rajpipla વન કવચ ગીતા આશ્રમ શાળા જૈવ વૈવિધ્ય

સંબંધિત સમાચાર