(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : 16 સપ્ટેમ્બર ની સાંજથી નર્મદા ડેમમાંથી 20 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા કાઠા નાં ગામોની માઠી દશા થઈ હતી પૂરના પાણીમાં ખેતીના પાકને પણ ખૂબ નુકસાન થયું હોતું જેથી ખેડૂતો માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે પણ તે અપૂરતું હોવાનું જણાવી ખેડૂતો એ 100 % રાહતની માંગ કરતું આવેદનપત્ર નર્મદા કલેકટરને આપ્યું છે
નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 20 લાખ ક્યુસેક પાણીથી નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લામાં ભારે તારાજી થઈ છે ખેડૂતોના ખેતરમાં પૂરનું પાણી ભરાતા ઉભા પાકો નષ્ટ થઈ ગયા હતા અને ભારે હોબાળા બાદ સરકારે જાહેર કરેલ રાહત પેકેજ ખૂબ જ ઓછું હોવાનું નર્મદા જિલ્લાના ખેડૂતો જણાવી સરકાર પાસે સો ટકા રાહત પેકેજની માંગણી કરતું આવેદન જિલ્લા કલેકટરને પાઠવ્યું છે, નર્મદા જિલ્લાના ખેડૂતોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ રાહત પેકેજથી ખેડૂત બેઠો નહિ થઈ શકે, અને સરકાર દ્વારા 33 % ની અને 2 હેક્ટરની મર્યાદા કરવામાં આવતા સરકારે રાહત પેકેજ આપી ખેડૂતોની મજાક ઉડાડી હોવાનું કહી, ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે જેના પગલે ખેડૂતોએ સો ટકા રાહત પેકેજની માંગણી સાથે નર્મદા નદીમાં આવેલું પૂર માનવસર્જિત હોવાનું જણાવ્યું હતું.
આવેદનમાં જણાવ્યા મુજબ પ્રતિ એકર 2 લાખ 13 હજાર પ્રમાણે સો ટકા રાહત ચુકવણી થાય ખેડૂતોને આપેલ ક્રોપ લોન માફ કરવામાં આવે ખેડૂતોને પાંચ લાખની વગર વ્યાજની લોન આપવામાં આવે અને તેનું ચુકવણું પહેલા વર્ષમાં 50% અને બીજા વર્ષમાં 50% કરવામાં આવે, નર્મદા જિલ્લાના ખેડૂતોને વારંવાર પૂર હોનારત નુકસાન વેઠવું ન પડે તે માટે નર્મદા ઓથોરિટીએ બાંહેધરી આપવી, કેળાના પાક માટે ખેડૂતોને યોગ્ય બજાર ભાવ મળે તેવી બાંધરી આપવી, જે ખેત મજૂરોના કાચા મકાનો પડીને નાશ પામ્યા છે તેમને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે, 17 સપ્ટેમ્બરને કાળો દિવસ જાહેર કરવામાં આવે, નુકસાન પામેલા તમામ ખેડૂતોને ત્રણ લાખ સુધીનું બેંકનું દેવું માફ કરવા તેમજ નવા પાક ઉભો કરવા જમીન સુધારવા તથા ખેતરોની સાફ-સફાઈ કરવા એકર દીઠ એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી માંગ કરી મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે.