અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં યોજાનાર ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે દેશભરમાંથી વિવિધ રેલીઓનું આગમન થઈ રહ્યું છે. જે અંતર્ગત આજે નશામુક્તિના મક્કમ સંદેશ સાથે Fight Against Drugs થીમ આધારિત બાઇક રેલી નર્મદા જિલ્લાના આંગણે આવી પહોંચી હતી. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને દેશના યુવાધનને નશાના દૂષણથી મુક્ત રાખવાના ઉમદા સંકલ્પ સાથે નીકળેલી આ રેલીએ સમગ્ર પંથકમાં દેશભક્તિ અને જનજાગૃતિનો અનોખો માહોલ સર્જ્યો હતો.
આ બાઇક રેલીમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, કેરળ અને કર્ણાટક સહિત દેશના વિવિધ રાજ્યોના પોલીસ વિભાગના જાંબાઝ અધિકારીઓ અને જવાનો ઉત્સાહભેર જોડાયા છે. લાંબુ અંતર કાપીને આવેલા આ પોલીસ જવાનોએ માર્ગમાં આવતા વિવિધ રાજ્યો અને શહેરોમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો. અલગ-અલગ રાજ્યોની ભિન્ન સંસ્કૃતિ અને ભાષા ધરાવતા હોવા છતાં, દેશસેવાના એક જ લક્ષ્ય સાથે નીકળેલા આ જવાનોએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સાચી પ્રતીતિ કરાવી છે.
નર્મદા જિલ્લામાં પ્રવેશતાની સાથે જ જૂના રાજુવાડિયા ગામ ખાતે આ બાઇક રેલીનું ભારતીય પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનો તેમજ નર્મદા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તમામ બાઇક સવારોને કુમકુમ તિલક કરી, પુષ્પવર્ષા વડે વધાવી લેવામાં આવ્યા હતા અને હારતોરા કરીને તેમનું સ્વાગત કરાયું હતું.
બાઇક પર સવાર યુવા જવાનોમાં એકતા દિવસની ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ, થનગનાટ અને જોશ જોવા મળ્યો હતો. લાંબી મુસાફરીનો થાક ભૂલીને જવાનોએ જ્યારે રાષ્ટ્રભક્તિ અને નશામુક્તિના સૂત્રોચ્ચાર કર્યા, ત્યારે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
નોંધનીય છે કે, એકતા દિવસ નિમિત્તે વિવિધ રાજ્યોમાંથી આવેલ આ પોલીસ જવાનો ‘વિવિધતામાં એકતા’ના સૂરને સાર્થક કરી સમાજ અને યુવાધનને નશામુક્તિનો મજબૂત સંદેશ આપવા માટે ‘Fight Against Drugs’ ની થીમ પર આધારિત નેશનલ મોટરસાઇકલ રેલીનું પ્રદર્શન કરશે.