ભારતની સૌથી મોટી ફિટનેસ સર્વિસીસ પ્રોવાઇડર કલ્ટ.ફિટ લિમિટેડે (જે અગાઉ ક્યોરફિટ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી હતી) આઈપીઓ માટે સેબી સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
રેડસીર રિપોર્ટ અનુસાર, 31 માર્ચ, 2026ની સ્થિતિએ કંપની તેના નેટવર્કમાં આવેલા ફિટનેસ સેન્ટરોની સંખ્યાના આધારે ભારતનું સૌથી મોટું ફિટનેસ અને એક્ટિવ લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ છે. કંપની cult.Fit એપ, cult.Fit વેબસાઇટ તેમજ અન્ય ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમો દ્વારા એકીકૃત પ્લેટફોર્મ દ્વારા ફિટનેસ સર્વિસીસ અને એક્ટિવ લાઇફસ્ટાઇલ સંબંધિત પ્રોડક્ટ્સ પ્રદાન કરે છે. રેડસીર રિપોર્ટ મુજબ, 31 માર્ચ, 2026 સુધી ભારતમાં ફિટનેસ સેવાઓ અને ફિટનેસ પ્રોડક્ટ્સ એમ બંને ક્ષેત્રોમાં હાજરી ધરાવતું આ એકમાત્ર ફિટનેસ અને એક્ટિવ લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ છે. કંપનીનો હેતુ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી અપનાવવા ઇચ્છતા લોકો માટે પ્રથમ પસંદગીનું પ્લેટફોર્મ બનવાનો છે.
આ ઇશ્યૂમાં રૂ. 950 કરોડ સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ તેમજ વેચાણકર્તા શેરધારકો દ્વારા કુલ 17,86,09,200 ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યૂ રૂ. 1 છે.
કંપની ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનારી ચોખ્ખી રકમનો ઉપયોગ નીચે મુજબ કરવાની યોજના ધરાવે છે:
કંપની દ્વારા લેવામાં આવેલી કેટલીક લોનની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી અથવા પૂર્વચુકવણી કરવા માટે.
નવા Cult Elite અને Cult Neo સેન્ટર્સ (collectively, “Cult Centres”) શરૂ કરવા માટે મૂડી ખર્ચ કરવા.
તેની સહાયક કંપની કલ્ટસ્પોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં નવા એક્સક્લૂઝિવ બ્રાન્ડ આઉટલેટ્સ (ઈબીઓ) શરૂ કરવા માટે જરૂરી મૂડી ખર્ચ માટે રોકાણ કરવા.
કંપની દ્વારા સંચાલિત હાલના નિર્ધારિત કેન્દ્રો માટે લીઝ, ભાડા અથવા લાઇસન્સ કરાર સંબંધિત ચુકવણીઓ કરવા.
બ્રાન્ડ અંગે લોકોમાં વધુ જાગૃતિ લાવવા માટે બ્રાન્ડ માર્કેટિંગ, જાહેરાત અને વ્યવસાય પ્રચાર પર ખર્ચ કરવા.
સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
રેડસીર રિપોર્ટ અનુસાર, 31 માર્ચ, 2026ની સ્થિતિએ કંપની ભારતનું સૌથી મોટું ફિટનેસ અને એક્ટિવ લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ છે. કંપનીના 77 શહેરોમાં કુલ 708 ફિટનેસ સેન્ટરો કાર્યરત છે, જે તેના પછીના સૌથી મોટા પ્રતિસ્પર્ધીની સરખામણીએ ચાર ગણા મોટા નેટવર્ક સમાન છે. નાણાંકીય વર્ષ 2026 દરમિયાન કંપનીના ફિટનેસ સર્વિસીસ વ્યવસાયમાં ચુકવણી કરનારા 9,87,020 પેઇડ મેમ્બર્સ હતા, જ્યારે ફિટનેસ પ્રોડક્ટ્સ વ્યવસાય હેઠળ 42.3 લાખથી વધુ પ્રોડક્ટ્સની ડિલિવરી કરવામાં આવી હતી.
કંપનીના વ્યવસાયની આવકના વિવિધ સ્ત્રોતો હોવાથી તેનું આવક માળખું સંતુલિત છે. કુલ આવકમાંથી અંદાજે 70 ટકા આવક ફિટનેસ સર્વિસીસમાંથી આવે છે, જ્યારે બાકીની 30 ટકા આવક ફિટનેસ પ્રોડક્ટ્સના વ્યવસાયમાંથી મળે છે. તેના કારણે કંપનીને નિયમિત તેમજ વ્યવહાર આધારિત એમ બંને પ્રકારની આવક પ્રાપ્ત થાય છે.
કંપનીએ નફાકારકતામાં સતત સુધારા સાથે વિકાસનો મજબૂત માર્ગ દર્શાવ્યો છે. કામગીરીમાંથી કંપનીની આવક નાણાંકીય વર્ષ 2024માં રૂ. 9,266.62 મિલિયનથી વધીને નાણાંકીય વર્ષ 2026માં રૂ. 17,206.06 મિલિયન થઈ હતી. નાણાંકીય વર્ષ 2026માં કંપનીએ વાર્ષિક ધોરણે 36.26 ટકા વૃદ્ધિ નોંધાવી હતી, જ્યારે નાણાંકીય વર્ષ 2025માં આ વૃદ્ધિ 31.17 ટકા હતી. કંપનીનું એડજસ્ટેડ એબિટા માર્જિન નાણાંકીય વર્ષ 2025માં માઈનસ 2.76 ટકાથી સુધરીને નાણાંકીય વર્ષ 2026માં 8.41 ટકા થયું હતું.
કલ્ટ એલિટ એક હાઇબ્રિડ ફિટનેસ સેન્ટર મોડેલ છે, જેમાં સાધનો આધારિત જિમ વર્કઆઉટ સાથે ટ્રેનરો દ્વારા સંચાલિત વિવિધ પ્રકારના ગ્રુપ ક્લાસીસ જેવી કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ, યોગ, ડાન્સ અને બોક્સિંગનો સમાવેશ થાય છે. જ્યારે કલ્ટ નિયો પ્રો-સેગમેન્ટ જિમ મોડેલ છે, જે કંપની દ્વારા ડિઝાઇન કરાયેલા સાધનો, ઉત્તમ વાતાવરણ અને પ્રશિક્ષિત સ્ટાફ સાથે એકસરખો અને ગુણવત્તાયુક્ત ફિટનેસ અનુભવ આપે છે. એક્સક્લૂઝિવ બ્રાન્ડ આઉટલેટ્સ (ઈબીઓ) કંપની દ્વારા સંચાલિત એવા રિટેલ સ્ટોર્સ છે, જ્યાં માત્ર કલ્ટ બ્રાન્ડની ફિટનેસ પ્રોડક્ટ્સનું જ વેચાણ કરવામાં આવે છે.
કંપનીની મૂળભૂત માન્યતા છે કે શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ જ મજબૂત બ્રાન્ડનું નિર્માણ કરે છે. રેડસીર રિપોર્ટ અનુસાર, ફિટનેસ અને એક્ટિવ લાઇફસ્ટાઇલ ક્ષેત્રની બ્રાન્ડ્સ સાથે નવા ગ્રાહકો ઝડપથી જોડાતા નથી. તેથી વિશ્વાસ ઊભો કરવા અને ગ્રાહકોના વર્તનને પ્રભાવિત કરવા માટે પોતાના વચન મુજબનું પરિણામ આપતી મજબૂત બ્રાન્ડ અત્યંત મહત્વપૂર્ણ છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન કંપનીએ તેની ફિટનેસ સર્વિસીસ અને ફિટનેસ પ્રોડક્ટ્સ દ્વારા ગ્રાહકો સાથે સતત જોડાણ જાળવી રાખીને એવી બ્રાન્ડ ઊભી કરી છે, જે આનંદ, સમુદાય અને ફિટનેસ પ્રત્યે મહત્વાકાંક્ષી છતાં સરળ અભિગમને સમાવે છે.
ટેકનોલોજી કંપનીના એકીકૃત પ્લેટફોર્મનો મુખ્ય આધારસ્તંભ છે. કંપની વ્યક્તિગત વર્કઆઉટની ભલામણોથી લઈને એઆઈ આધારિત નિર્ણય પ્રક્રિયા, સેવાઓના એકસરખા ધોરણ, ક્ષમતાના અસરકારક ઉપયોગ અને મોટા પાયે કામગીરીની કાર્યક્ષમતા સુધી દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેના કારણે કંપની તેના વિશાળ ફિટનેસ સેન્ટર નેટવર્ક અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને સતત ઉચ્ચ ગુણવત્તાનો ફિટનેસ અનુભવ આપી શકે છે.
એપરલ કેટેગરીમાં કંપની માસ-પ્રિમિયમ સેગમેન્ટમાં કાર્ય કરે છે અને રનિંગ, ટ્રેનિંગ, યોગ, કોમ્બેટ આધારિત ફિટનેસ તથા અન્ય પ્રવૃત્તિઓ માટે પરફોર્મન્સ અને એથલેઝર પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવે છે. ફૂટવેર શ્રેણીમાં પણ કંપની વેલ્યૂ અને માસ-પ્રિમિયમ સેગમેન્ટમાં કાર્યરત છે અને રનિંગ, ટ્રેનિંગ સહિત વિવિધ ઉપયોગ માટે પરફોર્મન્સ અને આરામને પ્રાધાન્ય આપતી પ્રોડક્ટ્સ પ્રદાન કરે છે. ઇક્વિપમેન્ટ્સની શ્રેણીમાં કંપની ઘર તેમજ વ્યાવસાયિક જિમ ફિટનેસ સેન્ટરોમાં ઉપયોગી ફિટનેસ સાધનો ઉપરાંત રિકવરી પ્રોડક્ટ્સ, ફિટનેસ એસેસરીઝ અને સાયકલ પણ ઉપલબ્ધ કરાવે છે.
ભારતમાં ફિટનેસ સેવાઓનું બજાર કેલેન્ડર વર્ષ 2025માં અંદાજે રૂ. 256 અબજ (લગભગ 2.9 અબજ યુએસ ડોલર) નું હોવાનું માનવામાં આવે છે અને કેલેન્ડર વર્ષ 2030 સુધીમાં તે 14-16 ટકાના સીએજીઆરથી રૂ. 487 અબજથી રૂ. 531 અબજ (5.6થી 6.1 અબજ યુએસ ડોલર) સુધી પહોંચવાની ધારણા છે. શહેરોમાં વધતી ખર્ચ કરવાની ક્ષમતા, આરોગ્ય પ્રત્યે વધતી જાગૃતિ તેમજ મોટા પાયે કાર્યરત ફિટનેસ પ્લેટફોર્મ્સના કારણે વધેલી સુલભતા અને પોષાય તેવી સેવાઓ આ વૃદ્ધિને વેગ આપશે. રેડસીર રિપોર્ટ અનુસાર, સારા સ્વાસ્થ્ય અને સર્વાંગી સુખાકારી માટે સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી જરૂરી છે. તે માટે લોકોને ગુણવત્તાયુક્ત ફિટનેસ સેન્ટરો તેમજ તેમની ફિટનેસ યાત્રામાં ઉપયોગી થાય તેવા ગુણવત્તાયુક્ત અને પોસાય તેવી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ થાય તે જરૂરી છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ હેઠળ ઓફર કરવામાં આવતા ઇક્વિટી શેરોને બીએસઈ અને એનએસઈ સહિતના સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.
આ ઇશ્યૂ માટે એક્સિસ કેપિટલ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, જેફરીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) છે.