રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આજે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે કાર્યરત વિવિધ કેન્દ્ર અને કચેરીઓની આકસ્મિક મુલાકાત લઈ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન તેમણે કેન્ટિન, કન્ઝ્યુમર સ્ટોર, જીમ બિલ્ડિંગ તેમજ વાત્સલ્ય કક્ષની વ્યવસ્થાઓની રૂબરૂ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પોલીસ ભવનની કેન્ટીનમાં દરરોજ મોટી સંખ્યામાં મુલાકાતીઓ અને પોલીસ સ્ટાફ ભોજન તેમજ ચા-નાસ્તો કરતા હોય છે. સ્ટાફ અને નાગરિકોના આરોગ્યને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા ડીજીપીશ્રીએ કેન્ટીનની વ્યવસ્થાઓ, રસોઈ ઘરની સ્વચ્છતા, શુધ્ધ પીવાના પાણીની સુવિધા તેમજ વેચાતી ખાદ્ય ચીજો પરની પેકિંગ ડેટ વગેરેની જાતે ચકાસણી કરી હતી અને ગુણવત્તા જાળવી રાખવા બાબતે કડક સૂચનો આપ્યા હતા.
ત્યારબાદ તેમણે પોલીસ કર્મચારીઓ માટે રાહત દરે ચાલતા કન્ઝ્યુમર સ્ટોરની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થાકીય સુધારાઓ અંગે સૂચનો કર્યા હતા. પોલીસ સ્ટાફની ફિટનેસ માટે કાર્યરત જીમ બિલ્ડીંગની મુલાકાત દરમિયાન તેમણે કસરતના વિવિધ સાધનો અને ઉપલબ્ધ સુવિધાઓ નિહાળી હતી, તેમજ બિલ્ડિંગની છત પર જઈને ત્યાંની સ્વચ્છતાનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
તે ઉપરાંત પોલીસ ભવન બિલ્ડીંગ ખાતે ફરજ બજાવતી મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નાના સંતાનોની સારસંભાળ માટે ખાસ તૈયાર કરાયેલા ‘વાત્સલ્ય કક્ષ’ની ડીજીપીશ્રીએ મુલાકાત લીધી હતી. અહીં બાળકો માટેની સુવિધાઓ તપાસવાની સાથે તેમણે બાળકોને ચોકલેટ અને રમકડાં આપી, તેમની સાથે વાતચીત કરીને હળવી ક્ષણો માણી હતી. ત્યાર બાદ પોલીસ ભવન કેમ્પસમાં સ્થિત અમૂલ કેન્ટીનની પણ મુલાકાત લીધી હતી.