ગુજરાત સરકાર દ્વારા અમલીકૃત ‘સંકલિત ડેરી વિકાસ યોજના’ આદિજાતિ ક્ષેત્રોની મહિલાઓના આર્થિક સશક્તીકરણ, સ્વાવલંબન અને સર્વાંગી સમૃદ્ધિ માટે અત્યંત મહત્વપૂર્ણ પૂરવાર થઈ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૦૭-૦૮ થી શરૂ થયેલી આ કલ્યાણકારી યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૧.૯૬ લાખથી વધુ દૂધાળા પશુઓનું આદિજાતિ મહિલા લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું છે.
ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષોમાં આ યોજનાએ અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે; જેમાં વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૩૦.૮૭ કરોડના ખર્ચે ૬,૮૬૦ મહિલાઓ, વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૭૮.૯૭ કરોડના ખર્ચે ૧૩,૬૧૬ અને વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૫૨.૪૪ કરોડના ખર્ચે ૯,૦૪૨ આદિજાતિ મહિલાઓ મળી કુલ રૂ. ૧૬૨.૨૮ કરોડના ખર્ચે ૨૯,૫૧૮ આદિજાતિ મહિલાઓને પશુપાલનના વ્યવસાય સાથે જોડીને પગભર કરવામાં આવી છે. ચાલુ વર્ષે ૨૦૨૬-૨૭માં પણ ૧૧,૨૦૬ મહિલા લાભાર્થીઓ માટે રૂ. ૬૫ કરોડની જોગવાઈ સાથે પ્રતિ લાભાર્થી રૂ. ૫૮ હજારની સહાય આપવાનું સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
‘સંકલિત ડેરી વિકાસ યોજના’ હેઠળ આદિજાતિ મહિલાઓ પોતાના વિસ્તારની આદિજાતિ વિકાસ કચેરી મારફતે ખૂબ જ સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે છે. યોજનાની જોગવાઈઓ અનુસાર, પ્રતિ પશુ-યુનિટ કુલ રૂ. ૯૦ હજારની કિંમત નક્કી કરવામાં આવી છે, જેમાં દૂધાળું પશુ, પશુ વીમો, ટ્રાન્સપોર્ટેશન, પશુ ખાણ-દાણ, પશુ સારવાર તથા વિશેષ વ્યવસાયિક તાલીમ જેવા તમામ પાસાંઓનો સમાવેશ થાય છે. આ યુનિટ કોસ્ટમાં લાભાર્થી બહેનોને રૂ. ૨૯,૦૦૦ ની લોન તેમજ કેન્દ્ર સરકારની સૂચિત સબસીડી પેટે રૂ. ૨૯,૦૦૦ અને રાજ્ય સરકારની સહાય પેટે રૂ. ૨૯,૦૦૦ મળવાપાત્ર થાય છે, જ્યારે લાભાર્થીએ માત્ર રૂ. ૩હજારનો નજીવો ફાળો આપવાનો રહે છે.
આ યોજનામાં સબસીડી અને સરળ ધિરાણની સુવિધાના પરિણામે આદિજાતિ કુટુંબને કુલ બે દૂધાળા પશુ આપવામાં આવે છે. વૈજ્ઞાનિક પશુપાલન પદ્ધતિઓની તાલીમ, પશુઓની યોગ્ય સંભાળ અને સ્થાનિક દૂધ મંડળીમાં દૈનિક ધોરણે દૂધ ભરાવવાથી લાભાર્થી પરિવારની નિયમિત રોજગારી અને આવક શરૂ થઈ જાય છે. પ્રથમ પશુ દ્વારા મળતી આવકમાંથી આદિજાતિ મહિલાઓ લોનની રકમનો ૬૦ ટકાથી વધુ હપ્તો સમયસર ભરપાઈ કરીને બીજા દૂધાળા પશુનો લાભ મેળવવા માટે પણ પાત્ર બને છે. બીજા પશુના ઉમેરા સાથે પરિવારમાં દૂધનું ઉત્પાદન અને આવક બમણી થાય છે. આમ, ઘરઆંગણે જ સાતત્યપૂર્ણ રોજીરોટી ઉપલબ્ધ થતાં આદિવાસી પરિવારોનું થતું બિનજરૂરી સ્થળાંતર પણ અસરકારક રીતે અટક્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આદિજાતિ સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે સતત સંકલ્પબદ્ધ રહીને અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત કરી રહી છે. આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ આ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સંપૂર્ણ પારદર્શિતા સાથે પહોંચાડવામાં આવી રહ્યો છે. પરિણામે, ૦ થી ૨૦ નો સ્કોર ધરાવતા BPL આદિવાસી પરિવારોની મહિલાઓને ‘સંકલિત ડેરી વિકાસ યોજના’ના માધ્યમથી પશુપાલન અને ડેરી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને પ્રગતિના પંથે આગળ વધવાની એક નવી દિશા તથા પ્રેરણાદાયી તક સાંપડી છે.
આજે આ યોજનાના માધ્યમથી રાજ્યની હજારો આદિજાતિ બહેનો દર મહિને સન્માનજનક આવક મેળવી રહી છે. બાળકોના ઉત્કૃષ્ટ શિક્ષણ, પરિવારના આરોગ્ય અને દૈનિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તેઓ આત્મનિર્ભર બની રહી છે. રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત આ ‘સંકલિત ડેરી વિકાસ યોજના’ માત્ર એક સરકારી યોજના પૂરતી મર્યાદિત ન રહેતાં, અનેક આદિજાતિ મહિલાઓના સ્વાભિમાન, આત્મસન્માન અને આર્થિક સ્વાવલંબનની એક જીવંત અને પ્રેરણાદાયી કહાની બની છે.