વિશ્વ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે ૨૧ જૂન 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી સંદર્ભે વાત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભગીરથ પ્રયાસોના પરિણામે આજે સમગ્ર વિશ્વ યોગનું મહત્વ સમજી રહ્યું છે. આજે વિશ્વભરમાં યોગ પર વૈજ્ઞાનિક સંશોધનો થઈ રહ્યા છે અને તેનાથી માનવજાત ઉત્તમ સ્વાસ્થ્યના પરિણામો મેળવી રહી છે.
શિબિરમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંસ્કાર નિર્માણનું પ્રેરક ભાથેરું પીરસતાં રાજ્યપાલશ્રીએ શાસ્ત્રોક્ત સંદર્ભ સાથે જણાવ્યું હતું કે, જે બાળકો પોતાના માતા-પિતા, દાદા-દાદી અને ગુરુજનો પ્રત્યે આદર અને શ્રદ્ધાભાવ રાખે છે, તેમના આશીર્વાદથી આયુષ્ય, વિદ્યા, યશ અને બળ આ ચારેય સદ્ગુણો સહેજે પ્રાપ્ત થાય છે. રોજ સવારે ઊઠીને વડીલોને પ્રણામ કરવાની ટેવ પાડવા તેમણે બાળકોને અનુરોધ કર્યો હતો.
કિશોરાવસ્થાના પરિવર્તનો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, આ વયમાં શારીરિક અને માનસિક બદલાવ વચ્ચે અજાણતા કોઈ ભૂલ થઈ જાય તો તેને છુપાવવા માટે અસત્યનો સહારો ન લેવો. પોતાની ભૂલ નિસંકોચપણે માતા-પિતા કે શિક્ષકો સમક્ષ સ્વીકારી લેવાથી વડીલો તેમના અનુભવના આધારે સાચો માર્ગ બતાવશે.
આ ઉપરાંત, તેમણે યુવાધન આજીવન ધૂમ્રપાન, તમાકુ કે કોઈપણ પ્રકારના દૂષણ કે વ્યસનથી દૂર રહે અને ઉત્તમ સ્વાસ્થ્ય સાથે દેશના ભવિષ્ય નિર્માણમાં યોગદાન આપે તેવી માર્મિક ટકોર કરી હતી.
આ યોગાભ્યાસમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, યોગ સાધકો ઉત્સાહભેર જોડાયા હતા.