મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યપાલે પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં કર્યો રાત્રિ વિશ્રામ

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અણિયોડ ગામની પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં સાદગીપૂર્ણ રીતે રાત્રિ વિશ્રામ કર્યો હતો. બીજા દિવસે વહેલી સવારે તેમણે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને યુવાનો સાથે કુદરતી વાતાવરણમાં ઉત્સાહપૂર્વક યોગાભ્યાસ કર્યો હતો. રાજ્યપાલની આ સાદગી અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિએ સ્થાનિક લોકોમાં ભારે પ્રેરણા પૂરી પાડી છે.

રાજ્યપાલે પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં કર્યો રાત્રિ વિશ્રામ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ તલોદ તાલુકાના અણિયોડ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ ઊઘડતી સવારે અણિયોડ પ્રાથમિક  શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.

       

અણિયોડ પ્રાથમિક શાળાના મેદાન ખાતે પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી તેના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રતિદિવસ યોગાભ્યાસ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. યોગથી શરીરની લચકતા વધે છે. શરીરમાં લોહીનો સંચાર વધે છે તેથી અનેક રોગોમાં ફાયદાકારક છે.

 

 તેમણે જણાવ્યું હતું કે, યોગ એ ભારતની પ્રાચીન વિરાસત છે જેને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વવ્યાપી બનાવી છે. વ્યસ્ત જીવનશૈલીમાં યોગ અને પ્રાણાયામ સ્વસ્થ જીવન માટે અત્યંત જરૂરી છે. યોગ દ્વારા શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત થાય છે, જેના કારણે માનસિક તણાવ દૂર થાય છે અને અભ્યાસમાં વધુ એકાગ્રતા પ્રાપ્ત થાય છે.

 

તેમણે સુદ્રઢ સ્વાસ્થ્ય અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે ખાસ આગ્રહ કર્યો હતો, અને પોતાની જીવનશૈલીમાં હકારાત્મક બદલાવ લાવવા માટે ખાસ આહવાન કરતા ખોરાકમાં નિયંત્રણ રાખી જમવામાં તેલ અને ચરબીયુક્ત પદાર્થોનું પ્રમાણ ઘટાડવા તેમજ રોજિંદા જીવનમાં યોગ, વ્યાયામ અને શારીરિક શ્રમને મહત્વ આપવા જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભ્રામરી, ભસ્ત્રિકા પ્રાણાયામના નિયમિત અભ્યાસથી શ્વસનતંત્ર મજબૂત બનતું હોવાનું તેમજ સારી ઊંઘ અને તણાવ મુક્તિ માટે શવાસન, સર્વાઇકલ માટે વિવિધ આસનો બતાવી યોગ અને પ્રાણાયામને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.

Tags: રાજ્યપાલ ગુજરાત રાજ્ય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાબરકાંઠા જિલ્લા

સંબંધિત સમાચાર