મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિસમાં ઈમેલ દ્વારા અનેક બેંકોમાં બોમ્બ મુકવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો. ઈમેલ મોકલનાર 'ખિલાફત ઈન્ડિયા'નો હોવાનો દાવો કરે છે. ધમકી આપનાર વ્યક્તિએ મુંબઈમાં કુલ 11 સ્થળોએ બોમ્બ પ્લાન્ટ કરવાની ધમકી આપી હતી.
શું છે સમગ્ર મામલો?
આરબીઆઈ ઓફિસને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઘણી જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે ઈમેલમાં લખવામાં આવ્યું છે કે આરબીઆઈ ઓફિસ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે.
RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની ઈમેલ દ્વારા માંગ કરવામાં આવી હતી. મુંબઈમાં કુલ 11 જગ્યાએ બોમ્બની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલ મુજબ આજે બપોરે 1.30 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થવાનો હતો. જોકે આવું કંઈ થયું નથી.
પોલીસે દરેક જગ્યાએ જઈને તપાસ કરી પરંતુ ક્યાંય પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. આ સંદર્ભમાં, એમઆરએ માર્ગ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.


