મુખ્ય સામગ્રી પર જાઓ

રેલવે અપડેટ્સ: ભારતીય રેલવેમાં પ્રથમવાર અનોખી અને આધુનિક સુવિધાવાળા ડાઇનિંગ હોલની ભેટ

સંપૂર્ણપણે વાતાનુકૂલિત અને વોર્મ વ્હાઇટ ઇન્ટિરિયર થીમ સજ્જ ડાઇનિંગ હોલમાં એકસાથે ૬૦ કર્મચારીઓ માટે ભોજનની વ્યવસ્થા.

રેલવે અપડેટ્સ: ભારતીય રેલવેમાં પ્રથમવાર અનોખી અને આધુનિક સુવિધાવાળા ડાઇનિંગ હોલની ભેટ

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે દ્વારા તા. 9 ઓગસ્ટના રોજ વડોદરા સ્ટેશન ખાતે પેસેન્જર રનિંગ સ્ટાફ માટે અત્યાધુનિક ડાઇનિંગ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાપ્રબંધકશ્રી દ્વારા કોન્ફરન્સ રૂમમાં મંડળ રેલ પ્રબંધક તથા મંડળના વિવિધ વિભાગોના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પર ઇમરજન્સી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ઇમરજન્સી મેડિકલ રૂમની સુવિધા અંગે વડોદરા મંડળ અને મેસર્સ કે. પી. એજ્યુકેશન, વડોદરા વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા. મહાપ્રબંધકશ્રી દ્વારા વડોદરા સ્ટેશનની મુલાકાત પહેલાં વડોદરા ખાતેના મેમુ કારશેડનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે જણાવ્યું હતું કે રનિંગ સ્ટાફ રેલવે સંચાલનની કરોડરજ્જુ સમાન છે અને તેમની સતર્કતા, કાર્યદક્ષતા તથા કાર્યક્ષમતા સુરક્ષિત અને સમયબદ્ધ ટ્રેન સંચાલન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. નવો ડાઇનિંગ હોલ રનિંગ સ્ટાફના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ સુરક્ષિત રેલવે સંચાલનને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

આ ડાઇનિંગ હોલ ભારતીય રેલવેમાં પોતાની જાતની એક અનોખી અને આધુનિક સુવિધા છે. ફાઇવ-સ્ટાર હોટલ જેવી આકર્ષક સજાવટ, સંપૂર્ણપણે વાતાનુકૂલિત વાતાવરણ તથા હૂંફનો અનુભવ કરાવતી વોર્મ વ્હાઇટ ઇન્ટિરિયર થીમ તેને વિશિષ્ટ બનાવે છે. આ ડાઇનિંગ હોલમાં એક સમયે 60 રનિંગ સ્ટાફ માટે ભોજન કરવાની વ્યવસ્થા છે, જેના કારણે તેમને ફરજ દરમિયાન આરામદાયક અને સુખદ વાતાવરણ ઉપલબ્ધ થશે.

કોન્ફરન્સ રૂમમાં યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મહાપ્રબંધકશ્રીને વડોદરા મંડળની સિદ્ધિઓ, નવીન પહેલો તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનિકલ ક્ષેત્રે કરવામાં આવેલી નવી પહેલોથી અવગત કરાવ્યા હતા. બેઠકમાં મહાપ્રબંધકશ્રીએ મંડળના અધિકારીઓને તેમના કાર્યોમાં સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના તમામ કામો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી.

સમીક્ષા બેઠક પહેલાં વડોદરા રેલવે સ્ટેશન પર કટોકટીની તબીબી સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલરૂપે વડોદરા મંડળ અને મેસર્સ કે. પી. એજ્યુકેશન, વડોદરા વચ્ચે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ એમઓયુનો ઉદ્દેશ્ય વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરો તથા રેલવે વપરાશકર્તાઓને જરૂરિયાતના સમયે ઝડપી અને અસરકારક કટોકટીની તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. આ વ્યવસ્થા હેઠળ સ્ટેશન પરિસરમાં કાર્યરત ઇમરજન્સી મેડિકલ રૂમ મારફતે આકસ્મિક તબીબી સહાય પૂરી પાડવામાં આવશે, જેથી કટોકટીની પરિસ્થિતિમાં સમયસર સારવાર સુનિશ્ચિત થઈ શકે.

વડોદરા મંડળ તરફથી વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી નરેન્દ્ર કુમારે મેસર્સ કે. પી. એજ્યુકેશન, વડોદરાના અધિકૃત પ્રતિનિધિ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર મુસાફરોની સુરક્ષા અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા તેમજ રેલવે સ્ટેશન પર આરોગ્ય સંબંધિત સેવાઓને વધુ મજબૂત અને સુલભ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

મહાપ્રબંધકશ્રી દ્વારા વડોદરા સ્ટેશનની મુલાકાત પહેલાં વડોદરા ખાતેના મેમુ કારશેડનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સંબંધિત અધિકારીઓને તપાસ/જાળવણી દરમિયાન જોવા મળેલી તમામ ખામીઓને યોગ્ય રીતે દૂર કરવા તથા રેકની ફિટનેસ સુનિશ્ચિત કર્યા બાદ જ તેને સેવા માટે મોકલવા માટે સૂચના આપવામાં આવી હતી. 

Tags: trending news news portal India regional transport news Gujarat Indian Railways modern dining hall Vadodara

સંબંધિત સમાચાર