મુખ્ય સામગ્રી પર જાઓ

શંકરાચાર્ય પર યૌન શોષણનો આરોપ ખોટો હતો: આશુતોષ બ્રહ્મચારીનો મોટો ધડાકો

શંકરાચાર્ય પર યૌન શોષણનો આરોપ ખોટો હતો: આશુતોષ બ્રહ્મચારીનો મોટો ધડાકો

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર બટુકો (આશ્રમના બાળકો) ના યૌન શોષણનો ગંભીર આરોપ લગાવનાર આશુતોષ બ્રહ્મચારી હવે પોતાના જ નિવેદન પરથી ફરી ગયા છે. તેમણે એક વીડિયો જારી કરીને સનાતન ધર્મગુરુ સામે કરાયેલો કેસ તદ્દન ખોટો હોવાની કબૂલાત કરી છે. આશુતોષ બ્રહ્મચારીનું કહેવું છે કે, 'મેં શંકરાચાર્ય વિરુદ્ધ આ નકલી કેસ મારા જ ગુરુબંધુ રામચંદ્ર દાસના કહેવાથી અને તેમના ભારે દબાણમાં આવીને કર્યો હતો.' આ સમગ્ર ષડયંત્રમાં કેટલાક સરકારી અધિકારીઓ પણ સામેલ હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે, જેના કારણે ધાર્મિક જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આશુતોષ બ્રહ્મચારીએ વીડિયો દ્વારા એક મોટો ખુલાસો કર્યો છે કે, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ ખોટો કેસ કરવા પાછળ રામચંદ્ર દાસનો હાથ હતો. રામચંદ્ર દાસે જ આ આખું કાવતરું ઘડ્યું હતું અને મારા પર કોર્ટમાં કેસ દાખલ કરવા માટે ભારે દબાણ કર્યું હતું. આશુતોષે જણાવ્યું કે, રામચંદ્ર દાસે પોતાના જ ગુરુની હત્યા કરાવવાનું પણ એક ગુપ્ત આયોજન કર્યું હતું. તેમને ખોટી રીતે ભટકાવીને આ આખી રમત રમવામાં આવી હતી, જેના કારણે તેમને ભારે માનસિક ત્રાસ ભોગવવો પડ્યો છે.

આ મામલે આશુતોષ બ્રહ્મચારીએ મથુરાના એસએસપી (SSP)ને લેખિત ફરિયાદ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે રામચંદ્ર દાસે બે આશ્રમો હડપ કરવા માટે એક નકલી વસિયત (ખોટું વિલ) બનાવી હતી. આ નકલી વસિયતના આધારે જ તેમણે કેસ કર્યો હતો અને દેવા બાબાના આશ્રમ પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો. આશુતોષે સ્પષ્ટ કહ્યું છે કે જો પોલીસ આ બાબતે કોઈ પગલાં નહીં લે, તો તેઓ નકલી વસિયત બનાવનારાઓ વિરુદ્ધ કોર્ટમાં જશે અને સત્યની લડાઈ લડશે.

આશુતોષે વધુમાં ઉમેર્યું હતું કે, આ સમગ્ર ઘટનાક્રમમાં તેમને ભારે માનસિક પીડામાંથી પસાર થવું પડ્યું છે. તેમણે અમદાવાદ એક્સપ્રેસને જણાવ્યું કે, આ ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે તેઓ દરેક સ્તરે લડવા તૈયાર છે. આ ઘટનાથી ધાર્મિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને આગળ શું થશે તે જોવું રહ્યું.

સંબંધિત સમાચાર