‘સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬’ અંતર્ગત સાવલી સ્થિત કે.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (KJIT) કોલેજ સંકુલ ખાતે આજે સવારે અનોખો ઉત્સાહ અને ઊર્જા જોવા મળી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કોલેજના રમતગમત મેદાન પર ઉપસ્થિત યુવાનો અને છાત્રો સાથે ફૂટબોલ, હેન્ડબોલ તેમજ રસાખેંચ (ટગ ઓફ વૉર) સહિતની વિવિધ રમતો રમીને યુવા સાથીઓનો જોશ બમણો કર્યો હતો.
ખેલકૂદ દરમિયાન યુવાનો સાથે ખભેખભા મિલાવી મેદાનમાં ઊતરેલા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી પૂરતી સીમિત નથી, પરંતુ તે યુવાનોમાં ટીમ સ્પીરિટ, સંઘર્ષ સામે લડવાની ક્ષમતા અને નેતૃત્વ જેવા ગુણોનું સિંચન કરે છે. ‘ફિટ ઇન્ડિયા’ અને ‘ખેલ મહાકુંભ’ થકી રાજ્યના યુવાનોમાં ઊભી થયેલી ખેલદિલી રાષ્ટ્રનિર્માણમાં ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે.
રમતગમત બાદ નાયબ મુખ્યમંત્રીશ્રીએ ૫૦૦થી વધુ સેવાભાવી યુવાનો સાથે બાઇક રેલીની પુનઃ શરૂઆત કરાવી હતી. સેવાના સંકલ્પ સાથે નીકળેલી આ બાઇક રેલીએ દાહોદ રૂટ તરફ આગળ પ્રસ્થાન કર્યું છે.