(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં ઘણા વિકાસનાં કામો થયા જેમાં ગેસ લાઈન અને ભૂગર્ભ ગટર લાઇન ની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી ત્યાં કેટલાક વિસ્તારનાં ભૂગર્ભ ગટર લાઇન લીકેજની બુમ ઉઠતા કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે.
રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસે આવેલ હનુમાન મંદિર થી પોસ્ટ ઓફિસ જવાન માર્ગ પર બે ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટર નું ગંદુ પાણી લીકેજ થઈ રસ્તા પર વહે છે અને બાજુમાં આવેલ કોમ્પલેક્ષ માં આવતા જતા ગ્રાહકો અને વેપારીઓ પણ આ ગંદા પાણીનાં કારણે હેરાન થઈ રહ્યા છે.
જોકે આ મુદ્દે સ્થાનિકોએ પાલિકામાં જાણ કરી હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ પાલીકા સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ જે કોન્ટ્રાક્ટરે આ કામગીરી કરી છે એ આખી પૂર્ણ થયા બાદ પાલિકા હસ્તક સોંપતા હોય છે અને ત્યારબાદ પણ અઢી વર્ષ સુધી કોન્ટ્રાક્ટરે મેન્ટેનન્સ કરવાનું હોય છે પરંતુ હજુ કામ પૂરું થયું નથી ત્યાં જ ફરિયાદ ઉઠતા કામગીરી પર સવાલ ઉઠ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે બે ત્રણ મહિનાથી રોડ પર નિકળતાં આ ગંદા પાણીથી રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ..? માટે જે તે જવાબદારો આ સમસ્યાનું વહેલીતકે નિરાકરણ લાવી લોકોને રોગચાળાનાં ભય થી મુક્ત કરાવે.