મુખ્ય સામગ્રી પર જાઓ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સુરક્ષા વ્યવસ્થાની મોકડ્રિલ યોજાઈ

બે હથિયારધારી આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની પરિસ્થિતિનું નિર્માણ કરી વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંકલિત ઓપરેશન હાથ ધરાયું.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સુરક્ષા વ્યવસ્થાની મોકડ્રિલ યોજાઈ

રાજપીપળા : વૈશ્વિક પ્રવાસન સ્થળ Statue of Unity ખાતે આગામી 31મી ઓક્ટોબર-2026ના રાષ્ટ્રીય એકતા પરેડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવા માટે ગતરોજ મોકડ્રિલ (Mock Exercise) યોજવામાં આવી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં બે હથિયારધારી આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની પરિસ્થિતિનું નિર્માણ કરી વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંકલિત રીતે મોક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

મોકડ્રિલ દરમિયાન નર્મદા જિલ્લા પોલીસ, CISF, SRPF, BDDS તેમજ ફાયર વિભાગના જવાનોએ પરસ્પર સંકલન સાથે તબક્કાવાર કામગીરી હાથ ધરી હતી. પરિસરમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની પ્રાથમિક માહિતી મળ્યા બાદ સુરક્ષા દળો દ્વારા પરિસ્થિતિનું આકલન કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ફૂડ કોર્ટ વિસ્તારમાં ઘૂસેલા બંને આતંકવાદીઓને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. મોક ઓપરેશન દરમિયાન તેમની પાસેથી AK-47 હથિયાર, મોબાઈલ ફોન તેમજ અન્ય સામગ્રી કબજે કરવામાં આવી હતી.

મોકડ્રિલ પૂર્વે વિશ્વ વન ખાતે CISFના કમાન્ડન્ટ દ્વારા સુરક્ષા દળોના જવાનોને વિગતવાર બ્રિફીંગ આપવામાં આવ્યું હતું. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની પ્રાથમિક માહિતી, તેઓ કયા વિસ્તારમાં છુપાયા હોવાની શક્યતા છે, ઓપરેશન દરમિયાન અનુસરવાના રૂટ તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તબક્કાવાર હાથ ધરવામાં આવનાર કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સમગ્ર મોક એક્સર્સાઇઝનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટીની સંભવિત પરિસ્થિતિમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેનું સંકલન, ઝડપી પ્રતિસાદ ક્ષમતા, સ્થળ પર પહોંચવાની પ્રક્રિયા, કામગીરી દરમિયાનનો તાલમેલ તથા સંયુક્ત ઓપરેશન માટેની તૈયારીનું વ્યવહારિક પરીક્ષણ કરવાનો હતો. મોકડ્રિલ દ્વારા સુરક્ષા એજન્સીઓની સંકલિત કામગીરી અને આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટેની તૈયારીઓનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મોકડ્રિલ પૂર્ણ થયા બાદ તમામ સંબંધિત સુરક્ષા એજન્સીઓના વડાઓની ઉપસ્થિતિમાં ડિ-બ્રિફીંગ યોજવામાં આવ્યું હતું. સમગ્ર મોક ઓપરેશન દરમિયાન હાથ ધરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ કામગીરી દરમિયાન ધ્યાને આવેલી બાબતો, સંભવિત પડકારો અને જરૂરી સુધારાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભવિષ્યમાં આવી કોઈ વાસ્તવિક કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વધુ અસરકારક અને ઝડપી પ્રતિસાદ આપી શકાય તે માટે જરૂરી સાવચેતી અને તકેદારી અંગે પણ સુરક્ષા જવાનોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાયેલી આ મોકડ્રિલ દ્વારા પ્રવાસીઓની સુરક્ષા, મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળની સલામતી તેમજ આગામી રાષ્ટ્રીય એકતા પરેડ જેવા મોટા મહત્વના કાર્યક્રમો દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે વિવિધ એજન્સીઓની સંકલિત તૈયારીનું પ્રદર્શન થયું હતું.

Tags: મોકડ્રિલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી

સંબંધિત સમાચાર