મુખ્ય સામગ્રી પર જાઓ

શૂન્યમાંથી સર્જન: એસ્ટ્રલ લિમિટેડના ચેરમેન સંદીપભાઈ એન્જિનિયરની 23 વર્ષની સંઘર્ષગાથા

એસ્ટ્રલ લિમિટેડના સ્થાપક સંદીપભાઈ એન્જિનિયરની સફળતાની કહાની. એક સંઘર્ષ કરતી કંપનીથી 8,000 કરોડના ટર્નઓવર સુધીનો પ્રવાસ. નવા ઉદ્યોગસાહસિકો માટે ખાસ શીખ.

શૂન્યમાંથી સર્જન: એસ્ટ્રલ લિમિટેડના ચેરમેન સંદીપભાઈ એન્જિનિયરની 23 વર્ષની સંઘર્ષગાથા

વડોદરા : મધ્ય ગુજરાત વાઈબ્રન્ટ સમિટના બીજા દિવસે એમએસએમઇ કોંકલેવમાં એસ્ટ્રલ લિમિટેડના ચેરમેને પોતાની ૨૩ વર્ષની સ્મોલ કેપથી લાર્જ સ્કેલ બનેલ ઉદ્યોગોની સફળતાનો શ્રેય વાઈબ્રન્ટ ગુજરાતથી મળેલ પ્લેટફોર્મને આપ્યો હતો. આ અવસરે તેમણે પોતાની ઉદ્યોગકાર તરીકેની સફળ આપવીતી ઉપસ્થિતો સમક્ષ રજૂ કરી હતી.

એસ્ટ્રલ લિમિટેડના સ્થાપક અને ચેરમેન શ્રી સંદીપભાઈ એન્જિનિયર માને છે કે સફળતાનો કોઈ ટૂંકો રસ્તો હોતો નથી. ૧૯૮૨માં કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે અઢી વર્ષ નોકરી કરી, પરંતુ તેમનું સપનું પોતાનો ઉદ્યોગ સ્થાપવાનું હતું. શરૂઆતના ગાળામાં તેમના પ્રથમ ત્રણ બિઝનેસ સાહસો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. આ કપરા સમયમાં પણ હાર માન્યા વગર, પોતાના મેન્ટર શ્રી પંકજભાઈ પટેલ (ચેરમેન, ઝાયડસ) ના માર્ગદર્શન હેઠળ તેમણે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પોતાનું પ્રથમ સફળ યુનિટ સ્થાપ્યું, જે તેમની આંત્રપ્રિન્યોરશિપ જર્નીનો પાયો બન્યું.

વર્ષ ૧૯૯૮માં તેમણે ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્લમ્બિંગ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાના મક્કમ ઈરાદા સાથે એસ્ટ્રલની સ્થાપના કરી. તેઓ પરંપરાગત મેટલ (ધાતુ) ના પાઇપોના સ્થાને ભારતમાં પહેલીવાર એક નવું પોલીમર (CPVC) લાવ્યા. જોકે, નવી ટેક્નોલોજી હોવાને કારણે શરૂઆતના પાંચ વર્ષ એટલે કે ૨૦૦૪ સુધી ભારતીય બજારે આ પ્રોડક્ટને સ્વીકારી નહીં. આ લાંબા સંઘર્ષ દરમિયાન કંપની નાદારી (Bankruptcy) ના આરે આવી ગઈ હતી, પરંતુ સંદીપભાઈએ હિંમત ન હારી અને ૨૦૦૪ પછી તેમની મહેનત રંગ લાવી અને બજારે આ પ્રોડક્ટને સહર્ષ સ્વીકારી લીધી.

એસ્ટ્રલનો વૈશ્વિક ગ્રોથ અને આજના યુવાનોને શીખ આપતા તેઓ જણાવે છે કે, આજે એસ્ટ્રલ લિમિટેડ દેશ-વિદેશમાં ૨૮ થી વધુ લોકેશન્સ પર કાર્યરત છે, જેનું વાર્ષિક રેવન્યુ ૮,૦૦૦ કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે અને ૧૨,૦૦૦ થી વધુ પરિવારો આ સંસ્થા સાથે સીધા જોડાયેલા છે.

પાઇપ્સથી શરૂ થયેલી આ સફર આજે કન્સ્ટ્રક્શન કેમિકલ્સ, એડહેસિવ્સ, સીલન્ટ્સ અને વોટર સ્ટોરેજ ટેન્ક સુધી વિસ્તરી ચૂકી છે, જેની માર્કેટ કેપ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ છે. સંદીપભાઈ આજના સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકોને સલાહ આપે છે કે માત્ર શોર્ટ-ટર્મ વેલ્યુએશન પાછળ ભાગવાને બદલે લોંગ-ટર્મ વિઝન રાખવું અને બિઝનેસને પોતાના લોહીમાં વણવો જરૂરી છે.

"જો તમે મુશ્કેલીઓનો સામનો કરીને અડગ રહેશો, તો જ ધંધો તમારા લોહીમાં ઉતરશે અને સાચી સફળતા મળશે." — શ્રી સંદીપભાઈ એન્જિનિયર

વાઇબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મ અને સરકારનો આભાર વ્યક્ત કરતા શ્રી સંદીપભાઈએ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટના મંચ પરથી ગુજરાત સરકાર અને વાઇબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મ પ્રત્યે હૃદયપૂર્વકની કૃતજ્ઞતા અને આભાર વ્યક્ત કર્યો છે.

તેમણે ભાવુક થઈને યાદ કર્યું કે વર્ષ ૨૦૦૩માં જ્યારે એસ્ટ્રલ એક ખૂબ જ નાની અને સંઘર્ષ કરતી કંપની હતી, ત્યારે પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેમને MoU સાઇન કરવાની અમૂલ્ય તક મળી હતી. તે ઐતિહાસિક ક્ષણનો ફોટો આજે પણ તેમની કેબિનમાં પ્રેરણારૂપ છે. એક નાની ડૂબતી કંપનીમાંથી લાર્જ સ્કેલ ઉદ્યોગ બનવા સુધીની આ ૨૩ વર્ષની મશાલને પ્રજ્વલિત રાખવામાં રાજ્ય સરકારના સાથ અને પ્રોત્સાહનને તેમણે આદરપૂર્વક બિરદાવ્યું હતું.

Tags: Entrepreneurship Astral Limited CPVC પાઈપ ક્રાંતિ Sandeep Engineer સ્ટાર્ટઅપ સફળતા સંદીપભાઈ એન્જિનિયર વાઈબ્રન્ટ ગુજરાત સમિટ એસ્ટ્રલ લિમિટેડ સફળતાની ગાથા ઉદ્યોગસાહસિકતા

સંબંધિત સમાચાર