મુખ્ય સામગ્રી પર જાઓ

તારાપુરના ખાનપુરને મળી આધુનિક એમ્બ્યુલન્સ: સાંસદ મિતેશભાઇ પટેલની ગ્રાન્ટમાંથી આરોગ્ય સુવિધામાં વધારો

છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ ઝડપથી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે, આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે તેમની વર્ષ 2025-26ની ગ્રાન્ટમાંથી તારાપુર તાલુકાના ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રૂપિયા 11 લાખના ખર્ચે એક આધુનિક 'ઇકો એમ્બ્યુલન્સ' ફાળવી છે.

તારાપુરના ખાનપુરને મળી આધુનિક એમ્બ્યુલન્સ: સાંસદ મિતેશભાઇ પટેલની ગ્રાન્ટમાંથી આરોગ્ય સુવિધામાં વધારો

આણંદ : આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ની ગ્રાન્ટમાંથી તારાપુર તાલુકાના ખાનપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અંદાજિત રૂપિયા ૧૧ લાખના ખર્ચે નવીન આધુનિક ઇકો એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. આ નવીન આરોગ્યવાનનું આજે જિલ્લા પંચાયત આણંદ ખાતેથી સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મયુરીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પિયુષ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાનપુર ગામના તાલુકા પંચાયત સદસ્ય તેમજ સરપંચ સહિતના સ્થાનિક અગ્રણીઓ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

તારાપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાનપુર ગામ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સુવિધાઓ વધુ સુદ્રઢ બને તે હેતુથી આ ઇકો એમ્બ્યુલન્સ આપવામાં આવી છે.

ખાનપુર ગામના સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય અને ગ્રામજનો દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે આધુનિક એમ્બ્યુલન્સ ફાળવવા બાબતે સાંસદશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકોની આ વ્યાજબી માંગણીને ધ્યાને રાખીને સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે પોતાની વર્ષ 2025- 26ની ગ્રાન્ટમાંથી આ એમ્બ્યુલન્સની મંજૂરી આપી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં એમ્બ્યુલન્સ વાન લોકોને બીમારીના સમયમાં ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદરૂપ સાબિત થશે. આ સુવિધાને કારણે છેવાડાના માનવીને આરોગ્યલક્ષી સેવાઓ વધુ ઝડપથી અને સારી રીતે મળી શકશે. વધુમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ એમ્બ્યુલન્સ વાન માત્ર દર્દીઓના પરિવહન માટે જ નહીં, પરંતુ રસીકરણના વિવિધ કાર્યક્રમો અને અન્ય સરકારી આરોગ્યલક્ષી અભિયાનોને અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડવામાં પણ મહત્વનો ફાળો ભજવશે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ના જણાવ્યા મુજબ આ આધુનિક ઇકો એમ્બ્યુલન્સ ફાળવવામાં આવતા ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ નવી સુવિધાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કાર્યક્ષમતામાં વધારો થશે અને અંતરિયાળ વિસ્તારના દર્દીઓને તાત્કાલિક સારવાર માટે મોટા કેન્દ્રો સુધી ખસેડવામાં સરળતા રહેશે.

Tags: ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ્બ્યુલન્સ ખાનપુર આરોગ્ય સેવા ઇકો એમ્બ્યુલન્સ તારાપુર સાંસદ મિતેશભાઇ પટેલ ગ્રાન્ટ

સંબંધિત સમાચાર