એશિયન ગેમ્સ 2023, IND Vs JAP: ભારતીય હોકી ટીમે એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ કબજે કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ગત વખતના એશિયા ચેમ્પિયન જાપાનને 5-1થી હરાવ્યું હતું. આ પહેલા ભારત અને જાપાન પૂલ રાઉન્ડમાં પણ ટકરાયા હતા જેમાં ભારત 4-2 થી જીત્યું હતું. ફાઈનલ મેચમાં ભારત તરફથી ખૂબ જ સારી રમત જોવા મળી હતી. ભારતની સામે વિપક્ષી જાપાન માત્ર એક જ ગોલ કરવામાં સફળ રહ્યું હતું.
આ ગોલ્ડ સાથે ભારતીય હોકી ટીમ 2024માં પેરિસમાં રમાનાર ઓલિમ્પિક ગેમ્સ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે. મેચની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો ગોલ કરી શકી ન હતી. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં મેચની 25મી મિનિટે ભારત તરફથી મેચનો પ્રથમ ગોલ થયો હતો. મનદીપ સિંહે આ ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. આ રીતે ભારતીય ટીમે મેચના હાફ ટાઈમમાં સરસાઈ મેળવી લીધી હતી.
ત્યારબાદ ત્રીજા ક્વાર્ટરમાં મેચની 32મી મિનિટે ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે બીજો ગોલ કરીને ભારતને 2-0ની સરસાઈ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરના અંત પહેલા અમિત રોહિદાસે ભારત માટે ત્રીજો ગોલ કર્યો હતો. આ રીતે ભારતે ત્રીજા ક્વાર્ટર સુધી 3-0ની સરસાઈ મેળવીને પોતાની જીત લગભગ નિશ્ચિત કરી દીધી હતી.
ચોથા ક્વાર્ટરમાં ભારતે 2 ગોલ કર્યા, જાપાનનું ખાતું ખુલ્યું
ચોથા ક્વાર્ટરની શરૂઆતના માત્ર ત્રણ મિનિટ બાદ એટલે કે 48મી મિનિટે અભિષેકે ભારત માટે ચોથો ગોલ કર્યો. આ ગોલ સાથે ભારતે 4-0ની લીડ મેળવી લીધી હતી. માત્ર ત્રણ મિનિટ બાદ એટલે કે 51મી મિનિટે જાપાને પોતાનું ખાતું ખોલાવ્યું અને ટીમનો પહેલો ગોલ આવ્યો. ત્યારબાદ મેચ પુરી થવાના 1 મિનિટ પહેલા ભારતે પાંચમો ગોલ કર્યો હતો. 59મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે ટીમ માટે પાંચમો ગોલ કરીને ભારતને જાપાન સામે 5-1થી જીત અપાવી હતી.