મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મપર્વ છે તે સંદર્ભમાં કહ્યું કે, ભગવાનના દર્શન માટે લોકો જુના, જર્જરીત મકાનો કે ભયજનક ઇમારતોનો સહારો ન લે તે માટે પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્ર સતર્ક રહે તે આવશ્યક છે. તેમણે આવા પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને જાનમાલની સલામતીના કારણોસર ત્યાં જતા અટકાવવા ખાસ તાકીદ કરી હતી.
અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રા ૧૬ કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ રથયાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું.
રથયાત્રાનું ઉમંગ પર્વ શાંતિ-સલામતી ભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્રની પ્રતિબદ્ધતા દર્શાવતાં આ પ્રેઝન્ટેશનમાં પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને ૧૮,૭૦૦થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે.
મુખ્યમંત્રીશ્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતશ્રીઓની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં ૪૫૦૦ જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે.
સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં ૧૯૩૧ જવાનો તૈનાત રહેશે. એટલું જ નહિં, ૧૬ જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમ શ્રી મલિકે ઉમેર્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ અફવા કે ખોટા-ગેરમાર્ગે દોરતા સમાચારો, વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો તેની સામે ત્વરાએ સત્ય હકીકતથી લોકોને વાકેફ કરવા પર પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન કર્યું હતું.
આ સંદર્ભમાં પોલીસ કમિશનરશ્રીએ રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન અંગે જણાવ્યું કે, ૪૭ જેટલા લોકેશન્સ પરથી ૯૬ કેમેરા, ૨૦ ડ્રોન, ૧૭૩૩ બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે.


