વેરાવળ ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે વડાપ્રધાનશ્રીને જન્મદિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ દેશના વડાપ્રધાન તરીકે ૨૫ વર્ષ સુધી સફળ નેતૃત્વ કર્યું છે.
વડાપ્રધાનશ્રીના આ સફળ નેતૃત્વની વિશેષ ઉજવણી કરતા ગીર સોમનાથ જિલ્લામાં રક્તદાન શિબિર, વૃક્ષારોપણ સહિતના વિવિધ સેવા સંકલ્પો દ્વારા વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણી પણ વિશેષ રીતે કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ એક મહિનો સેવા સંકલ્પ અભિયાન દ્વારા વડાપ્રધાનશ્રીના જનસેવાથી રાષ્ટ્રસેવાની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવશે.
વધુમાં સાંસદશ્રીએ આ ઉપક્રમમાં સાંજે ૭.૦૦ કલાકે સોમનાથ મંદિર ખાતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાશે. જેમાં ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત નિર્માણ’ના સંકલ્પનું નિર્માણ કરવામાં સૌ સાથે મળીને સહયોગ આપે એવો નાગરિકોને અનુરોધ કર્યો હતો.
વેરાવળ ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં અગ્રણી શ્રી ડૉ.સંજયભાઈ પરમાર અને કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા સહિતના મહાનુભાવોએ પ્રેરક રીતે ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને તેઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતાં. આ તકે, ઉપસ્થિત સર્વેએ શપથ લઈ નિયમિત રક્તદાન કરવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ઉપરાંત સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી તેમજ આર.એન.વાળા હોસ્પિટલ ટ્રસ્ટ, કોડિનાર ખાતે અને વરસિંગપુર રોડ, યોગ ભવન, ઉના ખાતે દિવ્ય જ્યોતિ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રક્તદાન કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.અરૂણ રોય, ક્ષય અધિકારી શ્રી ડૉ.શિતલ રામ, સિવિલ સુપ્રિટેન્ડન્ટ શ્રી ડૉ.જિજ્ઞેશ પરમાર, ડૉ.દિવ્યેશ ગૌસ્વામી, ડૉ.એચ.ટી.કણસાગરા, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અતુલભાઈ કાનાબાર, સેક્રેટરી શ્રી ગીરીશભાઈ ઠક્કર સહિત અધિકારીઓ-કર્મચારીઓ અને નાગરિકો સહભાગી થયા હતાં.