વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. કૌશલ ઓઝાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગ દ્વારા એક ૪૫ વર્ષીય મહિલા દર્દીની જટિલ ગર્ભાશયની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે.
માહિતી મુજબ, છેલ્લા ૧૦થી ૧૧ મહિનાથી દર્દી પેટના નીચેના ભાગમાં અસહ્ય દુખાવો તેમજ અત્યંત ભારે માસિક સ્ત્રાવ (હેવી બ્લીડિંગ)ની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. અગાઉ વિવિધ પ્રકારની દવાઓ અને સારવાર લીધા છતાં તેમને કોઈ ખાસ રાહત મળી નહોતી.
હોસ્પિટલમાં કરાયેલા અલ્ટ્રાસાઉન્ડ (USG) તપાસમાં દર્દીના ગર્ભાશયની બંને દિવાલોમાં અનેક ગાંઠો (Multiple Fibroids) હોવાનું સામે આવ્યું હતું, જેમાં સૌથી મોટી ગાંઠનું કદ આશરે ૮ x ૫ x ૬ સેન્ટીમીટર હતું.
દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગાયનેકોલોજિસ્ટ ડૉ. અદિતિ પાઠક અને તબીબી ટીમે અત્યંત કુશળતા અને સફળતાપૂર્વક ટોટલ એબ્ડોમિનલ હિસ્ટરેક્ટોમિ (Total Abdominal Hysterectomy) એટલે કે ગર્ભાશય કાઢવાની જટિલ સર્જરી પૂર્ણ કરી હતી.
સર્જરી સફળ રહેતા દર્દીને લાંબા સમયથી ચાલી રહેલી પીડા અને ભારે બ્લીડિંગની સમસ્યામાંથી કાયમી રાહત મળી છે. હાલ દર્દીની તબિયત સ્થિર અને સારી હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.
સરકારી હોસ્પિટલમાં આવી જટિલ સર્જરી સંપૂર્ણપણે નિઃશુલ્ક અને સફળતાપૂર્વક થતાં દર્દી તથા તેમના પરિવારજનોએ ડૉક્ટરો અને સમગ્ર હોસ્પિટલ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એસડીએચ વિરમગામના ડો. અદિતી પાઠક દ્વારા ચાલુ ટ્રેનમાં થોડા દિવસો પહેલા જ ડિલિવરી કરાવવામાં આવી હતી.