અમદાવાદ / ગુજરાત | આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિસાવદર વિધાનસભા વિસ્તાર માટે મંજૂર થયેલા ત્રણ મુખ્ય વિકાસ કામોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે વિસાવદરની વર્ષો જૂની માંગણી એવી વિસાવદર-સતાધાર બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. આ અંગે તેમણે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને ગૂગલ મેપના પ્રિન્ટ કરેલા નકશા પર દોરેલી યોજના બતાવીને સમજાવ્યું હતું કે જૂનાગઢ, ભેંસાણ, બગસરા કે માણેકવાડા તરફથી આવતા વાહનોને સતાધાર કે વિસાવદર જવામાં કેટલી સુવિધા રહેશે. વિસાવદરના સરદાર ચોકથી આંબેડકર ચોક અને સરકારી હોસ્પિટલ પાસે રેલવે સ્ટેશન વળાંક પર મોટી સરકારી તથા પ્રાઇવેટ બસોને વળવામાં પડતી મુશ્કેલીઓ અંગે પણ તેમણે મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારી સહિતના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. આ બાયપાસ માણાવદર પ્રાંત ઓફિસ બાજુથી શરૂ થઈને હનુમાન પરા પાછળથી આગળ નીકળશે.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં માહિતી આપી હતી કે વિસાવદર તાલુકામાં આવેલા સંતશ્રી રોહિદાસજી મહારાજ આશ્રમ અને પ્રાગટ્ય સ્થળના વિકાસ અર્થે રસ્તા, પાર્કિંગ અને મંદિર નિર્માણ જેવા કામો માટે મુખ્યમંત્રી દ્વારા ₹૧૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આમ, વિસાવદર મતવિસ્તારને કુલ ₹૩૦ કરોડથી વધુના વિકાસ કામોની ફાળવણી મળી છે. આ ઉપરાંત, વિસાવદરના ખડિયા ગામ પાસે આવેલી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 'સંતશ્રી રોહિદાસ ચેર' મંજૂર કરવામાં આવી છે, જેનાથી વિદ્યાર્થીઓને સંત રોહિદાસજીના જીવન વિશે અભ્યાસ કરવાની તક મળશે અને સ્થાનિક લોકોને કરોડો રૂપિયાનો ફાયદો થશે. આ તમામ સરાહનીય મંજૂરીઓ બદલ તેમણે મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો અને વિસાવદરની જનતા તથા ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા.
આમ આદમી પાર્ટી ગુજરાત