અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAP મધ્ય ઝોનના પ્રમુખ યાત્રિક પટેલે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર તીખો પ્રહાર કરતા જણાવ્યું છે કે, 'પઢેગા ઇન્ડિયા, તભી તો બઢેગા ઇન્ડિયા' જેવા નારાઓ વચ્ચે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રની વરવી વાસ્તવિકતા કંઈક જુદી જ છે. UDISE (યુડીઆઈએસઈ) ના તાજેતરના રિપોર્ટ અનુસાર ગુજરાતની ૭૧% શાળાઓમાં પ્રયોગશાળા (લેબોરેટરી) જ નથી, જેમાં ૪૯ ટકા જેટલી સરકારી શાળાઓનો સમાવેશ થાય છે. છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન હોવા છતાં શિક્ષણ ક્ષેત્રે ૩૦% પણ વિકાસ થયો નથી. છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ-ત્રણ વખત શિક્ષણ મંત્રીઓ બદલવામાં આવ્યા છે, પરંતુ શિક્ષણની સ્થિતિ સુધરવાને બદલે સતત કથળતી જ ગઈ છે. નેતાઓ એક ખાતામાંથી બીજા ખાતામાં ફરે છે અને મંત્રીપદા બદલે છે, પરંતુ મૂળ સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે.
’આપ’ વિદ્યાર્થી નેતા યાત્રિક પટેલે વધુમાં ઉમેર્યું કે પ્રશ્ન એ થાય છે કે, એક જ માણસમાં આટલી બધી કળા હશે કે જેઓ પહેલા આરોગ્ય મંત્રી હોય, પછી શિક્ષણ મંત્રી બને અને કાલે કદાચ કૃષિ મંત્રી પણ બની જાય! થોમસ આલ્વા એડિસને એક વીજળીનો ગોળો (બલ્બ) શોધવામાં પોતાનું આખું જીવન વિતાવી દીધું હતું, પરંતુ આપણા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં એટલી બધી કળા છે કે તેઓ પહેલાં કૃષિ મંત્રી હોય, પછી આરોગ્ય મંત્રી બને અને ત્યારબાદ શિક્ષણ મંત્રી પણ બની જાય છે! ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે રીમોટ કંટ્રોલથી ચાલતી આ સરકારે મંત્રીઓની સંગીત ખુરશીનો ખેલ બંધ કરીને શિક્ષણની સ્થિતિ સુધારવા પર ધ્યાન આપવું જોઈએ. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે મંત્રીઓ બદલાયા છતાં કથળતી શિક્ષણ વ્યવસ્થાની જવાબદારી કોણ લેશે? માત્ર મંત્રીઓ જ નહીં, પણ તેમના વડા એટલે કે મુખ્યમંત્રીએ પણ આ નિષ્ફળતાની નૈતિક જવાબદારી લેવી જોઈએ. આમ આદમી પાર્ટી સ્પષ્ટપણે માંગણી કરે છે કે શિક્ષણની બગડતી સ્થિતિ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજીનામું આપવું જોઈએ. જો સરકાર શિક્ષણની સ્થિતિ નહીં સુધારે, તો આવનારા સમયમાં ગુજરાતનો યુવા અને વિદ્યાર્થી વર્ગ આ સરકારને સત્તા પરથી હટાવી દેશે.
આમ આદમી પાર્ટી ગુજરાત