મુખ્ય સામગ્રી પર જાઓ

યુવાનો માટે રોજગારની તકો અને માર્ગદર્શન પૂરું પાડતું ‘ગુજરાત રોજગાર સમાચાર’ હવે ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ

ગત વર્ષે હજારો વાચકો દ્વારા ડાઉનલોડ કરાયેલા આ લોકપ્રિય પ્રકાશનની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

યુવાનો માટે રોજગારની તકો અને માર્ગદર્શન પૂરું પાડતું ‘ગુજરાત રોજગાર સમાચાર’ હવે ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ

વર્ષ ૧૯૬૦થી પ્રસિદ્ધ થતા ગુજરાત સરકારના મુખપત્ર ગુજરાત પાક્ષિકે હવે ડિજિટલ સ્વરૂપ ધારણ કર્યું છે. હવે વાચકો લોકપ્રિય પાક્ષિક ‘ગુજરાત’ અને યુવાનોને રોજગાર માટેના અવસરોની માહિતી પુરું પાડતા ‘ગુજરાત રોજગાર સમાચાર’નું ઓનલાઈન લવાજમ ભરી શકે છે. 'ગુજરાત ' પાક્ષિકનો વાર્ષિક લવાજમ દર રૂ. ૫૦ અને ગુજરાત રોજગાર સમાચારનો વાર્ષિક લવાજમ દર માત્ર રૂ. ૩૦ છે. હવે વાચકો ઘરે બેઠા જ સરળતાથી નવા લવાજમની નોંધણી તેમ જ રિન્યૂઅલ વેબસાઈટ પરથી કરી શકશે. 

આ વેબસાઇટ પરથી ગ્રાહકો 'ગુજરાત ' પાક્ષિક, ગુજરાત રોજગાર સમાચાર સહિત પ્રકાશન શાખા દ્વારા પ્રકાશિત થતા તમામ પ્રકાશનો વિનામૂલ્યે ડાઉનલોડ પણ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના માહિતી કમિશનરશ્રીની કચેરી દ્વારા યુવાનોને રોજગાર અંગે માર્ગદર્શન પુરું પાડતું ગુજરાત રોજગાર સમાચાર દર અઠવાડિયે પ્રકાશિત થાય છે. જ્યારે ગુજરાત સરકારનું મુખપત્ર ‘ગુજરાત’ દર પખવાડિયે પ્રકાશિત થાય છે.  આ બંને પ્રકાશનો વાચકોને ડિજિટલ સ્વરૂપે પ્રાપ્ત થાય તે હેતુથી માહિતી કમિશનરશ્રીની કચેરીના સોશિયલ મીડિયા હૅન્ડલ્સ પર પૉસ્ટ કરવામાં આવે છે. વાચકો તે ડાઉનલૉડ પણ કરી શકે છે.

નવી પેઢી ડિજિટલ સ્વરૂપે પૂરા પાડવામાં આવતા પ્રકાશનો ઉત્સાહભેર પણ ડાઉનલૉડ પણ કરે છે.  ગત વર્ષે વેબસાઈટ, સોશિયલ મીડિયા પોસ્ટના આધારે ૧૬,૯૨૩  ગુજરાત પાક્ષિકની  કૉપી ડાઉનલૉડ થઈ હતી, જ્યારે ૧૭,૮૧૬ ગુજરાત રોજગાર સમાચારની કૉપી ડાઉનલોડ કરવામાં આવી હતી. ગ્રાહકોની સુવિધા માટે હવે પ્રત્યેક અંકમાં ઑનલાઈન લવાજમ  ભરવા માટે QR કોડ આપવામાં  આવે છે. આ QR કોડની મદદથી નવા ગ્રાહકો લવાજમ ભરી શકે છે તેમ જ હાલના ગ્રાહકો સરળતાથી પોતાનું લવાજમ રિન્યૂ કરાવી શકે છે.

માહિતી કમિશનરશ્રીની કચેરીની પ્રકાશન શાખા ગુજરાત સરકારનું મુખપત્ર ‘ગુજરાત’ પાક્ષિક તૈયાર કરે છે. પ્રતિ પખવાડિયે પ્રસિદ્ધ થતા આ મેગેઝિનમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ, નીતિઓ, વિકાસલક્ષી કાર્યક્રમો તેમજ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી માહિતી સરળ ભાષામાં રજૂ કરવામાં આવે છે. આ સામાયિકમાં ગુજરાત સરકારના મહત્ત્વ પૂર્ણ નિર્ણયો, નીતિઓ, કાર્યક્રમો,યોજના, ઉપરાંત સાફલ્ય-ગાથા, આરોગ્યલક્ષી ઉપચાર, પ્રાકૃતિક કૃષિ, વિજ્ઞાન અને પુસ્તક પરિચય જેવા વાચન-વૈવિધ્યનો રસથાળ વાચકોને પિરસવામાં આવે છે. નોંધપાત્ર બાબત એ પણ છે કે વર્ષ ૨૦૨૬ને ‘પ્રવાસન વર્ષ’  તરીકે  જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે પાક્ષિકમાં રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોની વિગતો આપવામાં આવે છે.

આમ, 'ગુજરાત' પાક્ષિક દર પખવાડિયે સમગ્ર ગુજરાત અંગે ગુજરાતીઓને માહિતગાર કરે છે. જ્યારે ‘ગુજરાત રોજગાર સમાચાર’ દર અઠવાડિયે રોજગારની નવી તકો અંગે યુવાનોને રૂબરુ કરાવે છે અને એ પણ સાવ નજીવા દરે. ત્યારે હવે રાહ શેની જુઓ છો ?  લો મોબાઈલ અને ભરો લવાજમ.

 ‘ગુજરાત’ પાક્ષિક અને ‘ગુજરાત રોજગાર સમાચાર’ના નવા લવાજમની નોંધણી માટે અને રિન્યૂઅલ માટે નીચેની વેબસાઈટની મુલાકાત લો.  

વેબસાઈટ લીન્ક - https://gujaratinformation.gujarat.gov.in/Index

ગુજરાત પાક્ષિક અને ગુજરાત રોજગાર સમાચાર સંદર્ભે વધુ વિગતો માટે નીચેના ફોન નંબર, ઈમેલ પર સંપર્ક કરવા વિનંતી.

ફોન- 079-232-53440/53442

ઈમેલ – gujaratpaxik1@gmail.com 

Tags: Employment opportunities Gujarat youth Gujarat Rojgar Samachar download news updates India job news portal Gujarat

સંબંધિત સમાચાર