નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામગઢ, તિલકવાડાના કાટકોઇ અને ગરૂડેશ્વરના અકતેશ્વર ખાતે ‘આત્મા પ્રોજેક્ટ’ દ્વારા કિસાન ગોષ્ઠી અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આ ગોષ્ઠી દરમિયાન ખેડૂતોને ખેતીવાડી, બાગાયત અને પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ તેમજ મિશ્ર ખેતી પદ્ધતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાસાયણિક ડી.એ.પી. અને યુરિયા ખાતરના બદલે પ્રાકૃતિક પોષણ વ્યવસ્થા અપનાવવા અને જમીન ચકાસણી આધારિત ખાતર વ્યવસ્થાપનના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા હતા.
નિષ્ણાતો દ્વારા પાકની ઉપજ અને જમીનની તંદુરસ્તી વધારવા માટે મુખ્ય પોષક તત્વો (N, P, K અને સૂક્ષ્મ તત્વો) નો ચોક્કસ, જરૂરી ગુણોત્તર પૂરો પાડી પર્યાવરણના રક્ષણ માટે સંતુલિત ખાતરનો ઉપયોગ કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.