મુખ્ય સામગ્રી પર જાઓ

૧૧ જુલાઈએ કટોસણ–રણુજ રેલખંડ પર ૧૨૦ કિમીની ઝડપે સ્પીડ ટ્રાયલ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ૬૩ કિમી લાંબા કટોસણ રોડ–રણુજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓ શરૂ કરવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ૧૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ રેલવે સંરક્ષા આયુક્ત (CRS) ની ઉપસ્થિતિમાં એન્જિનની ૧૨૦ કિમી પ્રતિ કલાકની ગતિએ સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. રેલવે પ્રશાસને સુરક્ષાના ભાગરૂપે નાગરિકોને રેલવે ટ્રેકથી દૂર રહેવા અને લાઇન પાર ન કરવા તાકીદ કરી છે.

૧૧ જુલાઈએ કટોસણ–રણુજ રેલખંડ પર ૧૨૦ કિમીની ઝડપે સ્પીડ ટ્રાયલ

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ રેલવે અવસંરચના વિકાસની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. મંડળ હેઠળના 63 કિમી લાંબા કટોસણ રોડ–રણુજ રેલખંડ પર રેલવે સંરક્ષા આયુક્ત (CRS) દ્વારા સંરક્ષા નિરીક્ષણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ નિરીક્ષણ આ રેલખંડ પર મુસાફર ટ્રેન સેવાઓ શરૂ કરવાની દિશામાં એક નિર્ણાયક પગલું છે.

CRS નિરીક્ષણ અંતર્ગત તા. 11 જુલાઈ, 2026ના રોજ આ રેલખંડ પર 120 કિમી પ્રતિ કલાકની ઝડપે એન્જિનની સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. આ દરમિયાન રેલવે પ્રશાસન સ્થાનિક નાગરિકોને ખાસ અપીલ કરે છે કે તેઓ રેલવે ટ્રેકની નજીક ન જાય, કોઈપણ સંજોગોમાં રેલવે લાઇન પાર કરવાનો પ્રયાસ ન કરે તેમજ બાળકો અને પશુઓને રેલવે પાટા પરથી સુરક્ષિત અંતરે રાખે. સ્પીડ ટ્રાયલ દરમિયાન થતી કોઈપણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.

પરિયોજનાની મુખ્ય વિશેષતાઓ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ વિકસાવવામાં આવેલ કટોસણ રોડ–બેચરાજી–રણુજ (63 કિમી) રેલ પ્રોજેક્ટ દેશના રેલવે અવસંરચના વિકાસ, ઔદ્યોગિક પ્રગતિ અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થયો છે. આ યોજના રેલ મંત્રાલય અને બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ (BRCL)ના સંયુક્ત સાહસ (PPP મોડલ) હેઠળ વિકસાવવામાં આવી છે, જેમાં G-RIDE, GIDC અને MSILનો પણ સહભાગ રહ્યો છે. આ પરિયોજનાની સૌથી વિશેષ બાબત એ છે કે તેના દ્વારા ભારતની પ્રથમ ઓટોમોબાઈલ ઉત્પાદન એકમ માટે ઇન-પ્લાન્ટ રેલવે સાઇડિંગ વિકસાવવામાં આવી છે, જેના કારણે ફર્સ્ટ અને લાસ્ટ માઇલ સુધી અવિરત રેલ કનેક્ટિવિટી સુનિશ્ચિત થઈ છે. પરિણામે ઓટોમોબાઈલ પરિવહન વધુ ઝડપી, સુરક્ષિત અને ખર્ચ અસરકારક બન્યું છે.

કટોસણ રોડ–બેચરાજી–રણુજ (63 કિમી) ગેજ પરિવર્તન યોજનાને વર્ષ 2017માં મંજૂરી આપવામાં આવી હતી. અંદાજે ₹1000 કરોડના ખર્ચે રેલવે અને G-RIDEના સંયુક્ત સાહસ હેઠળ આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો છે. આ રેલખંડ પર કુલ 14 રેલવે સ્ટેશનો વિકસાવવામાં આવ્યા છે. ઉપરાંત 9 મોટા પુલ, 100 નાના પુલ, 47 રોડ અન્ડર બ્રિજ (RUB/LHS) તથા 16 વળાંકો (કર્વ)નો સમાવેશ થાય છે.

બેચરાજી સ્ટેશનનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ

કટોસણ રોડ–રાણુજ રેલખંડનું મુખ્ય સ્ટેશન બેચરાજી ગુજરાતના  મહેસાણા જિલ્લામાં આવેલું છે, જેને વિશ્વવિખ્યાત શ્રી બહુચર માતાજી મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે વિકસાવવામાં આવ્યું છે. બહુચર માતાજીનું મંદિર ગુજરાતના અગ્રણી શક્તિપીઠોમાંનું એક છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. શ્રદ્ધાળુઓની સુવિધા અને મંદિરના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તત્કાલીન મહારાજા સયાજીરાવ ગાયકવાડે ગાયકવાડ બરોડા રેલવે (GBR)નું વિસ્તરણ બેચરાજી સુધી કરાવ્યું હતું.

વિસ્તારને મળશે નવી રેલ કનેક્ટિવિટી

લાંબા સમય સુધી બેચરાજી વિસ્તાર રેલ સંપર્કથી વંચિત રહ્યો હતો, જેના કારણે શ્રદ્ધાળુઓ, સ્થાનિક નાગરિકો અને ઔદ્યોગિક એકમોને મુખ્યત્વે માર્ગ પરિવહન પર નિર્ભર રહેવું પડતું હતું. ધાર્મિક પર્યટન, ઔદ્યોગિક વિકાસ અને વધુ સારી પરિવહન સુવિધાની વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ આ વિસ્તારને આધુનિક રેલ નેટવર્ક સાથે જોડવાની યોજના સાકાર થશે.

ત્રણ દિવસીય CRS નિરીક્ષણ

ત્રણ દિવસીય CRS નિરીક્ષણ દરમિયાન પ્રથમ દિવસે કટોસણ રોડથી બેચરાજી, બીજા દિવસે બેચરાજીથી ચાણસ્મા અને ત્રીજા દિવસે ચાણસ્માથી રણુજ સુધીના રેલખંડનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવશે. નિરીક્ષણ પૂર્ણ થયા બાદ રેલવે સંરક્ષા આયુક્ત દ્વારા જરૂરી સુધારા અને ખામીઓ અંગે સૂચનો આપવામાં આવશે. તમામ જરૂરી કામગીરી પૂર્ણ થયા બાદ તથા સંરક્ષા મંજૂરી પ્રાપ્ત થતાં આ રેલખંડ પર મુસાફર ટ્રેન સેવાઓ શરૂ કરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.

રેલવેનો પ્રયાસ છે કે તમામ ઔપચારિકતાઓ વહેલી તકે પૂર્ણ કરીને આ રેલખંડ પર મુસાફર ટ્રેનોનું સંચાલન શક્ય તેટલું વહેલું શરૂ કરવામાં આવે.

પ્રાદેશિક વિકાસને મળશે નવી ગતિ

આ રેલખંડ શરૂ થતાં મહેસાણા અને પાટણ જિલ્લાના મુખ્ય કેન્દ્રો જેવા કે બેચરાજી, ખાંભેલ અને ચાણસ્મા વધુ સારી રેલ કનેક્ટિવિટી સાથે જોડાશે. પરિણામે સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને વેપારીઓને સસ્તી, સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી ઉપલબ્ધ બનશે. સાથે જ વિશ્વવિખ્યાત બહુચર માતાજીના મંદિરે આવતા લાખો શ્રદ્ધાળુઓની યાત્રા વધુ સરળ બનશે.

આ રેલ પ્રોજેક્ટ વિસ્તારની કૃષિ, લઘુ ઉદ્યોગો, વેપાર અને સ્થાનિક અર્થવ્યવસ્થાને નવી ગતિ આપશે. તેના દ્વારા રોજગારની નવી તકો ઊભી થશે, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસને વેગ મળશે તેમજ પર્યાવરણ-અનુકૂળ, ટકાઉ અને ઝડપી રેલ કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. વધુ સારી પરિવહન સુવિધાથી દૈનિક મુસાફરો, પ્રવાસન અને વેપારિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે તેમજ પ્રાદેશિક આર્થિક એકીકરણ ને  નવી મજબૂતી મળશે.

Tags: અમદાવાદ મંડળ CRS નિરીક્ષણ ગેજ પરિવર્તન પેસેન્જર ટ્રેન સેવા Ahmedabad Division Western Railway Public Transport Development Gujarat Railway Speed Trial 2026 Katosan Road-Ranuj Railway Line Bahucharaji Rail Connectivity સ્પીડ ટ્રાયલ ઇન-પ્લાન્ટ રેલવે સાઇડિંગ બહુચરાજી રેલવે કટોસણ રોડ-રણુજ રેલખંડ

સંબંધિત સમાચાર