અમદાવાદ–મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી ખાતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળના સાબરમતી વિસ્તારમાં કાર્યરત મુખ્ય રેલવે લાઇન ઉપર અત્યંત જટિલ અને ઉચ્ચ સ્તરની એન્જિનિરીંગ કાર્યને સફળતાપૂર્વક પાર પાડતાં, 1,600 મેટ્રિક ટન વજનના વિશાળ પ્રીકાસ્ટ આર.સી.સી. (RCC) પોર્ટલ બીમનું માત્ર 3 કલાકના નિર્ધારિત ટ્રાફિક અને પાવર બ્લોક દરમિયાન સફળતાપૂર્વક પ્રક્ષેપણ (લૉન્ચિંગ) કરવામાં આવ્યું હતું.
આ સિદ્ધિ ભારતીય રેલવેના માળખાકીય વિકાસમાં તકનીકી શ્રેષ્ઠતા, ચોકસાઈભર્યું આયોજન અને સુરક્ષિત અમલીકરણનું ઉત્તમ ઉદાહરણ છે.
ઓપરેશનની મુખ્ય વિશેષતાઓ
આ પડકારજનક કાર્યને અત્યંત ચોકસાઈ સાથે સંપન્ન કરવામાં આવ્યું.
અભૂતપૂર્વ ચોકસાઈ
સાબરમતી ખાતે કાર્યરત મુખ્ય રેલવે લાઇન ઉપર 34.5 મીટર × 5.5 મીટર × 4.5 મીટર કદના અને 1,600 મેટ્રિક ટન વજન ધરાવતા વિશાળ પ્રીકાસ્ટ પોર્ટલ બીમનું માત્ર 3 કલાકના મર્યાદિત ટ્રાફિક અને પાવર બ્લોક દરમિયાન સફળતાપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું.
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
આ ભારે કામગીરીને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે 2,200 ટન ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રોલર ક્રેન (Crawler Crane)નો ઉપયોગ કરવામાં આવ્યો.
શૂન્ય વિક્ષેપ (Zero Disruption): સમગ્ર કામગીરી અત્યંત સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવી. કામગીરી દરમિયાન એક પણ અકસ્માત નોંધાયો નહીં અને સૌથી મહત્વની વાત એ રહી કે મુસાફર ટ્રેનોની નિયમિત અવરજવરમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ આવ્યો નહીં.
સમયસર પુનઃસ્થાપન
કામગીરી પૂર્ણ થતાં જ રેલવે ટ્રેક અને ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE)ને નિર્ધારિત સમયમર્યાદામાં સંપૂર્ણ સુરક્ષા અને ચોક્કસ એલાઇનમેન્ટ સાથે પુનઃસ્થાપિત કરવામાં આવ્યા.
એન્જિનિરીંગ કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ
આ સિદ્ધિ અંગે વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, "આ ઉપલબ્ધિ રેલવેના એન્જિનિરીંગ કૌશલ્ય અને સલામતીના ઉચ્ચ ધોરણો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. કાર્યરત રેલવે લાઇન ઉપર આટલા ભારે વજનના પોર્ટલ બીમને કોઈપણ પ્રકારના વિક્ષેપ વિના સ્થાપિત કરવું એક મોટો પડકાર હતો, જેને અમારી ટીમે અસાધારણ આયોજન, સુમેળ અને ચોકસાઈ સાથે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે."
આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ ભારતીય રેલવેની તકનીકી કુશળતા અને કામગીરીની શ્રેષ્ઠતાને ઉજાગર કરે છે તેમજ ભવિષ્યમાં હાથ ધરાનારી મોટી માળખાકીય વિકાસ યોજનાઓ માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે.