અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પોલીસથી ભાગવાના પ્રયાસમાં એક યુવકનું ચોથા માળેથી પટકાતા કરુણ મોત નીપજ્યું હતું. મૃતક મહાવીરસિંહ સિંધવ સામે ગુજસીટોક અને ડ્રગ્સ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. આ બનાવ અંગે બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, મહાવીરસિંહ સિંધવ તાજેતરમાં જ બોપલના એક ફ્લેટમાં રહેવા આવ્યા હતા. ગત રાત્રિએ (8મી જૂન) નશાની હાલતમાં તેમણે પાડોશીઓ અને અન્ય રહેવાસીઓ સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો. આ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો, જેના કારણે ફ્લેટના રહેવાસીઓએ અમદાવાદ એક્સપ્રેસને જાણ કરી હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મહાવીરસિંહ સિંધવ પોલીસથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ચોથા માળેથી ઉતરતી વખતે અચાનક તેમનો પગ લપસી ગયો અને તેઓ નીચે પટકાયા. માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક મહાવીરસિંહ સિંધવ સામે હત્યાનો પ્રયાસ, મારામારી, ગુજસીટોક અને એનડીપીએસ જેવા અનેક ગંભીર ગુનાઓ વિવિધ પોલીસ સ્ટેશનોમાં દાખલ હતા. મહાવીરસિંહ અગાઉ સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં રહ્યા હતા, જ્યારે તેમણે એક લોક ડાયરા કાર્યક્રમમાં સ્ટેજ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો, જેનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો.
હાલ પોલીસે પાડોશીઓ અને ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોના જીવનના અણધાર્યા વળાંકો પર પ્રકાશ પાડ્યો છે.