મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદ રેલવે મંડળને મળી નવી ઓળખ: અત્યાધુનિક ‘ઈન્ટીગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર’નો શુભારંભ, જાણો તેની ખાસિયતો

અમદાવાદ રેલવે મંડળમાં સ્ટેટ-ઑફ-ધ-આર્ટ 'ઈન્ટીગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર'નો પ્રારંભ. 1,350 કિમી રેલ નેટવર્કનું રિયલ-ટાઈમ મોનિટરિંગ, ભીડ વ્યવસ્થાપન અને વધુ સારી યાત્રી સુવિધાઓ માટે એક ઐતિહાસિક પગલું. સંપૂર્ણ વિગતો અહીં વાંચો.

અમદાવાદ રેલવે મંડળને મળી નવી ઓળખ: અત્યાધુનિક ‘ઈન્ટીગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર’નો શુભારંભ, જાણો તેની ખાસિયતો

યાત્રીઓને સુરક્ષિત, સમયબદ્ધ અને વિશ્વાસપાત્ર રેલવે સેવાઓ ઉપલબ્ધ કરાવવા તથા રેલવે સંચાલનને અત્યાધુનિક ટેકનિકથી સુદ્રઢ બનાવવાની દિશામાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અમદાવાદ મંડળમાં નવનિર્મિત સ્ટેટ-ઑફ-ધ-આર્ટ ઈન્ટીગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટરનું આજે મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ દ્વારા વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું. આ અત્યાધુનિક કન્ટ્રોલ સેન્ટર હવે પૂર્ણરૂપે કાર્યશીલ થઈ ગયું છે અને ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં રેલવે સંચાલનના "કેન્દ્રીય તંત્ર (Nerve Centre)" રૂપે કામ કરશે.

લગભગ 24,500 ચોરસ ફુટ ક્ષેત્રમાં વિકસિત આ આધુનિક સંકુલ રેલવે સંચાલનથી જોડાયેલા વિવિધ વિભાગોની નિયંત્રણ પ્રવૃત્તિઓને એક જ છત હેઠળ એકિકૃત કરે છે. આની મારફતે સંચાલન કુશળતા, સમયપાલન તથા યાત્રી સેવાઓમાં નોંધપાત્ર સુધારો થશે.

ઉદઘાટનના અવસર પર મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ એ જણાવ્યું કે અમદાવાદ મંડળ સતત આધુનિક ટેકનિકોને અપનાવીને ભારતીય રેલવેના ડિજિટલ રૂપાંતરણને ગતિ આપી રહ્યું છે. તેમણે કહ્યું કે આ ઈન્ટીગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર રેલવે સંચાલનને વધુ સુરક્ષિત, પારદર્શક, જવાબદાર અને ટેકનિક-આધારિત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ સેન્ટરથી ટ્રેનોના સંચાલનની રિયલ-ટાઈમ મૉનિટરિંગની સાથે-સાથે સ્ટેશનો અને રેલવે સંકુલોમાં ભીડ વ્યવસ્થાપન (Crowd Management), સ્વચ્છતા વ્યવસ્થા, સુરક્ષા અને સંરક્ષા સંબંધિત પ્રવૃત્તિઓ તથા કોઈપણ અમંગળ ઘટના (Untoward Incidents) પર ચોવીસે કલાક અસરકારક દેખરેખ રાખી શકાશે. વિવિધ વિભાગો વચ્ચે ઉત્તમ સંકલન અને તાત્કાલિક સૂચનાની આપ-લેથી આકસ્મિક પરિસ્થિતિઓમાં તુરંત નિર્ણય અને અસરકારક કાર્યવાહી સુનિશ્ચિત થશે.

અત્યાથુનિક ટેકનિકલ સુવિધાઓથી સુસજ્જ નિયંત્રણ કેન્દ્ર

આ સ્ટેટ-ઑફ-ધ-આર્ટ ઈન્ટીગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટરમાં નવીનતમ ડિજિટલ ટેકનિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. લગભગ 1,350 રૂટ કિલોમીટર રેલવે નેટવર્કની રિયલ-ટાઈમ હાઈ-રેઝોલ્યુશન મૉનિટરિંગ માટે વિશાળ વીડિયો ડિસ્પ્લે યૂનિટ (VDU) વૉલ સ્થાપિત કરવામાં આવી છે, જેનાથી કોઈપણ સંચાલન સ્થિતિ પર ઝડપી દેખરેખ અને નિર્ણય સંભવ થઈ શકશે.

આ સંકુલમાં ફ્રેઈટ અને કોચિંગ કન્ટ્રોલ, સિગ્નલ અને ટેલિકોમ (S&T), એન્જિનિયરીંગ, ટ્રેકશન તથા ક્રૂ વ્યવસ્થાપન સહિત, વિવિધ સંચાલન એકમોને એકીકૃત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રેલવે સુરક્ષા બળ (RPF) કન્ટ્રોલ રૂમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ તથા કેરેજ અને વેગન (C&W) થી સંબંધિત પ્રવૃત્તિઓનું પણ આ જ સંકુલથી સંચાલન કરી શકાશે.

યાત્રીઓની સુવિધાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી આ સેન્ટરને રેલ મદદ (Rail Madad) ફરિયાદ નિવારણ સિસ્ટમ અને નેશનલ ટ્રેન ઈન્ક્વાયરી સિસ્ટમ (NTES) ની સાથે પણ એકીકૃત કરવામાં આવ્યું છે, જેનાથી યાત્રીઓને ટ્રેનોની અદ્યતન અને સચોટ માહિતી સમયસર ઉપલબ્ધ કરાવી શકાશે.

સંચાલન કુશળતા અને સમયપાલનને મળશે નવું પરિમાણ

આ એકીકૃત નિયંત્રણ સેન્ટર મારફતે દરરોજ સંચાલિત થનારી 130 થી વધુ કોચિંગ ટ્રેનો તથા 160 થી વધુ માલગાડીઓના સંચાલનની સતત અને સંકલિત દેખરેખ રાખવામાં આવશે. આનાથી સમયપાલનમાં વધુ સચોટતા આવશે તથા સંચાલન સંબંધિત નિર્ણયોને ઝડપથી લાગુ કરાવી શકાશે.

સાથે જ, લોકો ઈન્ટરચેન્જ, પાણી આપૂર્તિ, પાર્સલ વ્યવસ્થાપન, ક્રૂ જમાવટ તથા અન્ય સંચાલન પ્રક્રિયાઓમાં સંકલન અને કુશળતા વધશે. રિયલ-ટાઈમ ડેટા આધારિત મૉનિટરિંગ સિસ્ટમ મારફતે રેલવે સેવાઓ વધુ પારદર્શક, જવાબદાર અને વિશ્વાસપાત્ર બનશે.

આધુનિક કાર્યસ્થળ રૂપે વિકસિત સંકુલ

આ ઈન્ટીગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર ફક્ત એક કન્ટ્રોલ બિલ્ડીંગ જ નહીં, પરંતુ આધુનિક રેલવે વ્યવસ્થાપન અને ટેકનિકલ એકીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 24×7 સંચાલિત રહેનારા આ સંકુલમાં કર્મચારીઓ માટે અત્યાધુનિક કાર્યસ્થળની સાથે-સાથે આરામ ગૃહ, મિની બોર્ડ રૂમ અને સમર્પિત પાર્કિંગ જેવી સુવિધાઓ પણ વિકસિત કરવામાં આવી છે, જેનાથી કામ અમલીકરણ વધુ સુગમ, સુવિધાજનક અને અસરકારક થઈ શકે.

વધતા રેલવે સંચાલન અને ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને વિકાસાવાયેલું આ ઈન્ટીગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર અમદાવાદ મંડળની સંચાલન ક્ષમતાઓને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તથા પશ્ચિમ રેલવેના ડિજિટલ અને ટેકનિકલ આધુનિકીકરણ અભિયાનને વધુ સશક્ત બનાવશે.

Tags: અમદાવાદ રેલવે મંડળ ઈન્ટીગ્રેટેડ કન્ટ્રોલ સેન્ટર અમદાવાદ રેલ મદદ સિસ્ટમ યાત્રી સુવિધા રેલવે રિયલ-ટાઈમ મોનિટરિંગ વેદ પ્રકાશ રેલ પ્રબંધક અમદાવાદ રેલવે આધુનિકીકરણ પશ્ચિમ રેલવે ડિજિટલ રૂપાંતરણ

સંબંધિત સમાચાર