મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદમાં નકલી નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું: ₹28.94 લાખની નકલી નોટો સાથે 6ની ધરપકડ

અમદાવાદમાં નકલી નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું: ₹28.94 લાખની નકલી નોટો સાથે 6ની ધરપકડ

અમદાવાદ એક્સપ્રેસ: અમદાવાદના વટવા વિસ્તારમાંથી પોલીસે અને લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) ઝોન-8ની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને એક વિશાળ નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આંતરરાજ્ય કનેક્શન ધરાવતા આ કૌભાંડમાં પોલીસે ₹28.94 લાખની નકલી નોટો જપ્ત કરી છે અને દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ ગુનાહિત પ્રવૃત્તિનો મુખ્ય સૂત્રધાર ઈમરાન સબ્બીર સિંધા હતો. તેણે આ વર્ષના માર્ચ મહિનાથી વટવા વિસ્તારમાં આવેલા 'સતેજ હોમ્સ'માં એક મકાન ભાડે લીધું હતું. આ મકાનમાં કમ્પ્યુટર, કલર પ્રિન્ટર અને અન્ય અત્યાધુનિક સાધનો ગોઠવીને ₹500ના દરની નકલી નોટો છાપવાનું કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ અત્યાર સુધીમાં આશરે ₹60 લાખની ફેસ વેલ્યુ ધરાવતી નકલી નોટો છાપી હોવાના પુરાવા મળ્યા છે.

આ કેસમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે મુખ્ય આરોપી ઈમરાન સિંધાનું અચાનક અવસાન થયું. તેના મૃત્યુ બાદ, ગેંગના અન્ય સભ્યો પોલીસની પકડમાંથી બચવા માટે પ્રિન્ટિંગ મશીનો, કમ્પ્યુટર અને છાપેલી નકલી નોટો લઈને અન્ય રાજ્યોમાં ભાગી ગયા હતા. વટવા પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધ્યો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં દરોડા પાડીને આ ટોળકીના સભ્યોને ઝડપી પાડ્યા.

પોલીસે આ કેસમાં અલગ-અલગ રાજ્યો સાથે સંબંધ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાં મૂળ બિહારના 20 વર્ષીય સૂરજ સહાની, બિહારના 23 વર્ષીય રવિકુમાર શાહ, ઉત્તર પ્રદેશના 25 વર્ષીય વિરુ બઘેલ, ઉત્તર પ્રદેશના 23 વર્ષીય ચંદ્રમોહન શર્મા, અને એક કિશોરનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન એકત્ર કરાયેલા ટેકનિકલ પુરાવાના આધારે પોલીસે બનાસકાંઠા જિલ્લાના રહેવાસી 49 વર્ષીય મેરાજ રબારીની પણ ધરપકડ કરી છે.

પોલીસ રેકોર્ડ તપાસતા જાણવા મળ્યું કે, આ ગેંગમાં સામેલ કેટલાક લોકો અગાઉ પણ આવા ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે. મૃતક આરોપી ઈમરાન સિંધા અગાઉ સુરતમાં નકલી નોટોના કેસમાં સંડોવાયેલો હતો. જ્યારે બનાસકાંઠાનો મેરાજ રબારી અગાઉ પણ નકલી ચલણના કેસમાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલો આરોપી છે.

આરોપીઓ ₹500ની નકલી નોટો છાપીને સામાન્ય વેપારી વ્યવહારોમાં અને અજાણ્યા લોકો મારફતે બજારમાં અસલી તરીકે વટાવતા હતા. પોલીસે જણાવ્યું કે, આ નેટવર્કના આંતરરાજ્ય તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે, આ ગેંગ સાથે અન્ય કયા લાભાર્થીઓ સંકળાયેલા છે અને અત્યાર સુધીમાં કેટલી નકલી નોટો બજારમાં અર્થતંત્રમાં ઘૂસાડી દેવામાં આવી છે, તેની વધુ તપાસ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર