અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બે મહિના અગાઉ થયેલી મારામારીનો બદલો લેવા માટે એક સગીરને જાહેરમાં નગ્ન કરીને રસ્તા પર દોડાવવામાં આવ્યો હતો. આઘાતજનક ઘટના બાદ, વાડજ પોલીસે ગુનો નોંધીને પાંચમાંથી બે આરોપીઓની ગણતરીના કલાકોમાં અટકાયત કરી છે અને બાકીનાની શોધખોળ ચાલુ છે.
અમદાવાદ એક્સપ્રેસને મળેલી માહિતી મુજબ, આ ઘટનાનો પૂર્વસૂર્ય બે મહિના પહેલા દુધેશ્વર વિસ્તારમાં જોવા મળ્યો હતો. ત્યારે રોહિત (નામ બદલ્યું છે) નામના યુવકને એક સગીર સહિત કેટલાક શખ્સોએ જાહેરમાં પકડી લીધો હતો. તે સમયે રોહિતના શર્ટ-પેન્ટ ઉતારી, તેને નીચે બેસાડીને માફી મંગાવવામાં આવી હતી. આટલું જ નહીં, રોહિતને દંડા અને બેલ્ટથી ફટકારીને તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. જોકે, તે સમયે ભયના કારણે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. આ અપમાનનો બદલો લેવા માટે રોહિત અને તેના મિત્રો યોગ્ય તકની રાહ જોઈ રહ્યા હતા.
આઠમી જૂને, રોહિતને માર મારનારા સગીરને ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસેના એક પાન પાર્લર નજીક ઊભેલો જોયો હતો. જૂની અદાવતનો રોષ ભભૂકતા, રોહિત અને તેના ચાર મિત્રોએ સગીર પર હુમલો કર્યો હતો. પાંચેય જણાએ સગીરને નિર્દયતાથી માર માર્યો અને તેના કપડાં ઉતારી નાખ્યા હતા. ત્યારબાદ તેને નગ્ન હાલતમાં રસ્તા પર દોડાવ્યો હતો.
ભયભીત સગીર પોતાનો જીવ બચાવવા માટે દોડ્યો ત્યારે આ ટોળકી તેની પાછળ પડીને તેને મારતી રહી હતી. આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ મામલે સગીરના પિતાએ ફરિયાદ નોંધાવતા, વાડજ પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ એક્સપ્રેસ આ ઘટનાની વધુ વિગતો પર નજર રાખી રહ્યું છે.