અમદાવાદ / અમરેલી / ગુજરાત : અમરેલી જિલ્લાના વડીયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજીત્રાએ આત્મહત્યા કરી હતી અને ગતરોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ’આપ’ પ્રદેશ સંગઠન મંત્રી નિકુંજ સાવલિયા સહિત આગેવાનોએ મૃતક મનસુખભાઈના પરિવારની મુલાકાત લીધી અને તેમને સાંત્વના પાઠવી. ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના વડીયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજીત્રાએ બે દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો હતો અને વીડિયોમાં એમણે એવું કહ્યું હતું કે ભાજપના અમુક નેતાઓના ત્રાસના કારણે તેઓ આત્મહત્યા કરે છે.
આ રીતની વાત કરીને તેમણે આત્મહત્યા કરી અને તેઓ આજે આપણી વચ્ચે નથી. ત્યારબાદ સમાજના અને મનસુખભાઈના પરિવારના આગેવાનો વડીયા પોલીસ સ્ટેશને પોલીસ ફરિયાદ કરવા માટે ગયા પણ વડીયા પોલીસ સ્ટેશને પણ સ્પષ્ટ રીતે ના પાડી કે “ભાજપના નેતાનું નામ FIRમાં લખવામાં આવશે નહીં, જો કહેતા હોય તો કોઈ નાના મોટા આગેવાનોના નામ લખીએ. પરંતુ જે વ્યક્તિ આત્મહત્યા પાછળ જવાબદાર છે એમનું નામ લખવામાં આવશે નહીં”
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આપણા અમરેલી જિલ્લાના વડીયા ગામમાં હિન્દુ ખેડૂત આત્મહત્યા કરે અને હિન્દુત્વના નામે ચાલતી આખી સરકાર જો કોઈ માણસને મરતા રોકી ન શકે તો એ ખૂબ જ દુઃખની બાબત છે. મૃતક મનસુખભાઈના કૌટુંબિક ભાઈ જીવરાજભાઈએ પણ જમીન બાબતે આજે ખૂબ જ દુઃખી સ્વરે કહ્યું કે એમને પણ રસ્તાનો પ્રશ્ન છે અને એમને પણ આત્મહત્યા કરવી પડે એવું લાગે છે. મેં એમને આશ્વાસન આપ્યું છે અને રસ્તાના પ્રશ્નો મુદ્દે ભાજપના માણસો દાદાગીરી કરી રહ્યા છે એની સામે મામલતદારો, કલેકટરો, ડીવાયએસપીઓ સહિત તમામ લોકો સજાગ બને અને ખેડૂતોને મદદરૂપ બને એ બાબતની આજે જાણ કરી છે અને ટૂંક જ સમયમાં મૃતક મનસુખભાઈ અને કૌટુંબિક ભાઈ જીવરાજભાઈ બંનેના રસ્તા બાબતે મામલતદાર નિરાકરણ લાવે એ બાબતે વાત કરી છે.
આમ આદમી પાર્ટી ગુજરાત