અમદાવાદ / નર્મદા / ગાંધીનગર | આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ‘આદિવાસી ન્યાય યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યુ છે. ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા તથા શકુંતલાબેન વસાવાની આગેવાનીમાં આ ’આદિવાસી ન્યાય યાત્રા’ ઉમરગામથી અંબાજી જશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ ઉપપ્રમુખ રાજુભાઈ વલવાઈ, પ્રદેશ ઉપપ્રમુખ યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી બાબુભાઈ ડામોર, પ્રદેશ સંગઠન મંત્રી કમલેશ પટેલ, છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ ઈનચાર્જ રાધિકાબેન રાઠવા તથા લીમખેડા વિધાનસભા પ્રભારી નરેશભાઈ બારીયા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો - હોદ્દેદારો અને સ્થાનિકો આ યાત્રામાં જોડાયા હતા. યાત્રા શરૂ થતા પહેલા પત્રકારોને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના હક અને અધિકારો માટે લડતા ચૈતરભાઈ વસાવાને ભાજપે ખોટા ષડયંત્રથી જેલમાં પૂર્યા છે. તેમની ગેરહાજરીમાં તેમનાં ધર્મપત્નીઓ વર્ષાબેન અને શકુંતલાબેને અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી યુવાનોને જાગૃત કરવાનું બીડું ઝડપ્યું છે અને મુશ્કેલીઓ છતાં ઝાંસીની રાણીની જેમ લડાઈ લડી રહી છે. ભાજપ સરકારે પાંચ વર્ષમાં વનબંધુ યોજનાના ૧ લાખ કરોડ રૂપિયા વાપરવાનો દાવો કર્યો પણ તે પૈસા નેતાઓના ખિસ્સામાં ગયા છે અને સમાજનો કોઈ વિકાસ થયો નથી. એટલું જ નહીં પરંતુ સ્ટેટ લેવલની આદિજાતિ સલાહકાર પરિષદમાં નિયમ મુજબ આદિવાસી અધ્યક્ષ હોવા જોઈએ તેને બદલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે અધ્યક્ષ બનીને કુંડળી મારીને બેસી ગયા છે જે આદિવાસી સમાજનું ઘોર અપમાન છે. આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે આ પરિષદના અધ્યક્ષ આદિવાસી જ રહેશે તેવું વચન આપતાં તેમણે ઉમેર્યું કે જળ જંગલ જમીન અને ૭૩-એએ ની જમીનના મુદ્દાઓ પર ભાજપે આદિવાસીઓની ૩૦૦ હેક્ટર જમીન ડાયરેક્ટ ઉદ્યોગપતિઓને આપી દીધી છે. ચૈતરભાઈ વસાવાએ ભાજપની તમામ લાલચો અને ઓફરો ફગાવીને સમાજ સાથે ઊભા રહેવાનું પસંદ કર્યું છે. જ્યારે ભાજપ સામે ઝૂકનારા નેતાઓને કરોડોના પ્લોટ મફતમાં આપી દેવાય છે. મનરેગાના ૨૫૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કરનાર ભાજપે આદિવાસીઓ પર અંગ્રેજો કરતાં પણ વધુ અત્યાચાર કર્યા છે. બિરસા મુંડા પછી આદિવાસીઓ માટે લડનાર ચૈતરભાઈ વસાવાને સાચો સપોર્ટ આપવા માટે આ એકતા બતાવવાનો સમય છે. આદિવાસી સમાજના યુવાનો, ખેડૂતો અને બહેનો યાત્રામાં જોડાય તેમજ હાથમાં જળ લઈને હવે પછી ભાજપને ક્યારેય મત નહીં આપવાનો સંકલ્પ લે તેવી તેમણે અપીલ કરી હતી.
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપની સરકારે દગો - કાવતરું અને ષડયંત્ર કરીને આદિવાસી સમાજના યોદ્ધા ચૈતરભાઈ વસાવાને જેલમાં પૂર્યા છે. ગુજરાતમાં હજારો લોકો હજારો પ્રકારના ક્રાઈમ કરે છે પણ ગળામાં ભાજપનો ખેસ પહેરીને રાખે તો તેમની સામે કોઈ સજા કે કાર્યવાહી થતી નથી. ચૈતરભાઈએ માત્ર એક જ ગુનો કર્યો છે અને તે છે આદિવાસી સમાજના અધિકારો માટે લડવાનો ગુનો. આદિવાસીઓની જમીન છીનવાતી હોય, આદિવાસી બાળકોની સ્કોલરશિપ કે ફ્રીશિપ કાર્ડનો મુદ્દો હોય, કંપનીઓના પ્રોજેક્ટના નામે સમાજનું શોષણ થતું હોય કે નકલી સરકારી કચેરી ખોલી આદિવાસીઓની ગ્રાન્ટ ખાઈ જતા હોય ત્યારે ચૈતરભાઈ અવાજ ઉઠાવે છે. જ્યારથી તેઓ ધારાસભ્ય બન્યા છે ત્યારથી આખા ગુજરાતના આદિવાસી સમાજને હિંમત, હૂંફ અને સાથ આપવાનું કામ તેમણે કર્યું છે. ભાજપને આ વાત ખટકી એટલે જૂઠા વાહિયાત કેસો ઊભા કરી સરકારી પોલીસ, સરકારી વકીલ, સરકારી એફએસએલ, સરકારી ફરિયાદી અને સરકારી સાક્ષી ઊભા કરીને ખોટી રીતે એમને જેલમાં પૂરવામાં આવ્યા છે. ભાજપની સરકારે ચૈતરભાઈને જેલમાં પૂરીને આખા આદિવાસી સમાજ સાથે અન્યાય અને તેમનું અપમાન કર્યું છે કારણ કે નેતા સ્વયંઘોષિત નથી પણ સમાજે બનાવેલા છે. સમાજે બનાવેલા નેતાને સમાજ પાસેથી છીનવી લેવાય તે સમાજનું અપમાન છે. તેથી ચૈતરભાઈ વસાવાની જેલ મુક્તિ થાય અને આદિવાસી સમાજનું સ્વાભિમાન અને સન્માન સચવાય તે માટે વર્ષાબેન અને શકુંતલાબેનના નેતૃત્વમાં ઉમરગામથી અંબાજી સુધીની સ્વાભિમાન સન્માન યાત્રા શરૂ કરવામાં આવી છે. ગામડે ગામડે જઈ લોકોને જાગૃત કરી ચૈતરભાઈ અને સમાજ સાથે થયેલા અન્યાયની માહિતી આપી આ યાત્રા આગળ વધશે. લોકો જ્યારે એક થઈને અવાજ ઉઠાવશે ત્યારે ભાજપના ભૂકા નીકળી જશે. ચૈતરભાઈની ગેરહાજરી ન વર્તાય તે રીતે ઝાંસીની રાણીની જેમ લડાઈ લડી રહેલા વર્ષાબેન અને શકુંતલાબેનનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો અને તેમનું નેતૃત્વ સરાહનીય ગણાવ્યું હતું. આમ આદમી પાર્ટી પણ ક્યારેય આદિવાસી સમાજ કે ચૈતરભાઈ માટે પીછેહઠ નહીં કરે અને અરવિંદ કેજરીવાલથી લઈને ઇસુદાન ગઢવી સુધી તમામ ખડેપગે ઊભા છે. વર્ષો પછી માંડ એક હીરો અને સાચો આગેવાન મળ્યો છે ત્યારે પક્ષ-વિપક્ષ ભૂલીને સમાજના મુદ્દા પર ગુજરાતના તમામ લોકો અને ખાસ કરીને આદિવાસી યુવાનો ખભેખભો મિલાવી આ યાત્રામાં જોડાય તેવી તેમણે નમ્ર વિનંતી કરી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું કે આજથી ઉમરગામથી આ ન્યાય યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતની સમસ્ત જનતાને અપીલ છે કે હર હંમેશા લોકોની વચ્ચે રહીને તેમના માટે અવાજ ઉઠાવનાર અમારા લડાયક ધારાસભ્યને ભાજપ સરકારે આજે જેલમાં બંધ કરીને રાખ્યા છે જેનો બદલો આપણે લેવાનો છે. ઘરનો મુખ્ય માણસ ઘરમાં ન હોય ત્યારે કેટલી મુશ્કેલીઓ વેઠવી પડે છે તે અમે સારી રીતે જાણીએ છીએ છતાં પણ અમારું મનોબળ મજબૂત કરવા સમગ્ર જનતા અમારી સાથે છે અને આ ભાજપ સરકારની આંખ હજી સુધી નથી ખૂલી. જ્યાં પણ આદિવાસી લોકો સાથે અન્યાય થયો છે ત્યાં ચૈતરભાઈ વસાવા હંમેશાં આવીને ઊભા રહ્યા છે ત્યારે આ મુશ્કેલ સમયમાં તમામ જનતા મોટી સંખ્યામાં અમારી સાથે જોડાઈને સાથ અને સહકાર આપે તેવી અમે હૃદયપૂર્વક આશા રાખીએ છીએ. ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુન્તલા વસાવાએ જણાવ્યું હતું કે આ યાત્રા માત્ર ચૈતર વસાવાની નથી પણ આદિવાસી સમાજના હક અધિકારો અને તેમને ન્યાય અપાવવા માટેની લડાઈ છે જે માટે તમામ આદિવાસી સમાજના લોકોને આમંત્રિત કરવામાં આવે છે. ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજના હકો માટે અનુસૂચિ પાંચ, જંગલ જમીનના અધિકારો, શિક્ષણ, નકલી પ્રમાણપત્ર અને બેરોજગારી જેવા અનેક પ્રશ્નો સદન સુધી મજબૂતાઈથી ઉઠાવતા આવ્યા છે. પરંતુ ભાજપ સરકારને આ બાબત ગમતી ન હોવાથી તેમણે ચૈતર વસાવા અને તેમના પરિવારના સભ્યોને ખોટી રીતે ફસાવીને જેલમાં પૂરી દીધા છે. તેથી આદિવાસી સમાજના અધિકારો જળવાઈ રહે અને સમાજ માટે હંમેશા લડતા ચૈતર વસાવાને સાચો ન્યાય મળે તે ઉદ્દેશ્યથી જ આ ન્યાય યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટી ગુજરાત