રાજપીપલા : રાજપીપળા શહેરમાં આવેલા શીતળા માતાજી મંદિર ખાતે પરંપરાગત સાતમનો મેળો બુધવાર તા.૨૩મી ઓગષ્ટના રોજ યોજાનાર છે. મેળામાં મોટી સંખ્યામાં
જિલ્લાના ગામોમાંથી લોકો શીતળા માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. સાથે કાળીયા ભૂત મંદિરથી જુની સીવીલ હોસ્પિટલ સુધીના રસ્તા ઉપર મેળો ભરાતો હોય છે. જેથી મેળાના દિવસે કોઈ
અનિચ્છનીય બનાવ ન બને, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આ રસ્તા પરના વાહન વ્યવહારનો રૂટ ડાયવર્ટ અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી.એ.ગાંધી દ્વારા બહાર પાડી નીચે મુજબનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
કાળીયાભૂત મંદિર તરફથી જુની સીવીલ હોસ્પિટલ/ એસ.ટી. ડેપો તરફ જતા વાહનો ગાંધી ચોક -સંતોષ ચાર રસ્તા - હરસિદ્ધિ માતાજી મંદિરથી સ્ટેશન રોડ તરફ જશે. જુની કોર્ટ ત્રણ રસ્તાથી કોલેજ રોડ તરફ જતા વાહનો સ્ટેશન રોડ - સફેદ ટાવર - સંતોષ ચાર રસ્તા- ગાંધી ચોકથી કાળીયા ભૂત તરફ જશે. આ જાહેરનામાની અમલવારી તા.૨૩/૦૮/૨૦૨૩ ના રોજ સવારે ૦૬:૦૦ કલાકથી રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી કરવાની રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં
ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.


