ચોમાસાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપનની સમીક્ષા કરવા માટે રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.
ચોમાસા દરમિયાન ઘણીવાર મોબાઈલ નેટવર્ક ખોરવાઈ જવાની શક્યતા રહે છે. આથી સ્થાનિક સ્તરે વાયરલેસ કમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા આ બેઠકમાં સૂચના આપવામાં આવી છે.
આપત્તિના સમયે NDRF, SDRF, હોમગાર્ડ, GRD, TRB અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને સંયુક્ત કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં SDRF ની કુલ ૧૧ કંપનીઓના ૧,૦૩૬ જવાનોને પૂર્વ આયોજનના ભાગરૂપે ૨૮ જૂનથી જ સંવેદનશીલ અને નિયત લોકેશન્સ પર ડિપ્લોય કરવામાં આવ્યા છે.
વરસાદની સ્થિતિમાં વાહનવ્યવહાર સુચારુ રીતે ચાલે તે માટે સ્મૂથ ટ્રાફિક મેનેજમેન્ટ અને જરૂરિયાતના સમયે ત્વરિત રેસ્ક્યુ કામગીરી માટે પોલીસ બળ તહેનાત રહેશે. જવાનોને પૂરની પરિસ્થિતિમાં બચાવ કામગીરી અને રસ્તા પરના વૃક્ષો કે અવરોધો હટાવવા માટેની વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે.
તમામ જિલ્લાના પોલીસ વડાશ્રીઓને તેમના વિસ્તારમાં તહેનાત SDRF પ્લાટુન કમાન્ડર સાથે તાકીદે બેઠક યોજી, તેમના સાધનો, લોકેશન અને કમ્યુનિકેશન પ્લાનની સમીક્ષા કરવા તેમજ જરૂર પડે તો તેમને સ્થાનિક વાયરલેસ ફ્રીક્વન્સી પર લાવવા જણાવાયું છે.
આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે દરેક જિલ્લામાં તાલીમબદ્ધ 'આપદા મિત્ર' અને NSS તથા NCC માંથી પસંદ કરાયેલા 'યુવા આપદા મિત્ર'ની સેવાઓ લેવામાં આવશે. આ તમામ કમ્યુનિટી રિસોર્સિસની વિગતો કંટ્રોલ રૂમમાં રાખવામાં આવશે જેથી કટોકટીના સમયે તેમનો ત્વરિત ઉપયોગ કરવા જણાવાયું છે.
આ ઉપરાંત રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા તમામ પોલીસ સ્ટેશનો, ચોકીઓ અને સરકારી કચેરીઓના વડાઓને વરસાદ પહેલાં તમામ ઇમારતોની અગાશીની જાતે મુલાકાત લઈ સાફ-સફાઈ કરાવવા આદેશ આપવામાં આવ્યો છે. અગાશીના આઉટલેટ્સમાં પાંદડા કે કચરો ભરાઈ જવાથી પાણી ભરાવવાની અને સ્લેબ નબળો પડવાની સમસ્યા સર્જાય છે. આ અંગેનો કામગીરીનો અહેવાલ મોકલી આપવા અને પ્રથમ વરસાદ બાદ ફરીથી આ મુજબ ચેકિંગ કરવા સૂચના અપાઈ છે.
આ બેઠકમાં રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, આર્મ યુનિટના અધિકારીઓ અને વિવિધ જિલ્લાના એસપી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઈન જોડાયા હતા.