અમદાવાદ : હિન્દુજા ગ્રૂપની ભારતની મુખ્ય કંપની અને દેશની કમર્શિયલ વાહનો ઉત્પાદન કરતી ટોચની કંપનીઓમાં સ્થાન ધરાવતી, અશોક લેલેન્ડે જૂનાં, આયુષ્ય પૂરું કરી ચૂકેલાં કમર્શિયલ વાહનોના જવાબદારીપૂર્ણ અને યોગ્ય નિકાલ માટે રોઝમર્ટા રિસાયક્લિંગ સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી.
રોઝમર્ટા રિસાયક્લિંગ એ ભારતની ટોચની અધિકૃત વેહિકલ રિસાયક્લિંગ કંપનીઓ પૈકીની એક છે. જે દેશભરમાં અત્યાધુનિક વેહિકલ સ્ક્રેપિંગ ફેસિલિટીસ (આરવીએસએફ) ધરાવે છે. તેની સુવિધામાં સુરક્ષિત, નિયમોને અનુરૂપ તથા પર્યાવરણની જાળવણી સાથે આયુષ્ય પૂરું કરી ચૂકેલાં વાહનોનું વિઘટન (ડિસમેન્ટલ) કરવામાં આવે. આ પ્રક્રિયા દરમિયાન વાહનોમાંથી મટીરિયલની મહત્તમ રિકવરી થાય અને તેને પુનઃઉપયોગમાં લઈ શકાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
આ વ્યૂહાત્મક ભાગીદારી પ્રદૂષણ ફેલાવતા જૂનાં વાહનોના સ્થાને સ્વચ્છ અને વધુ કાર્યક્ષમ વાહનો અપનાવવા માટે પ્રોત્સાહિત કરતાં ભારત સરકારના વોલયન્ટરી વેહિકલ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામને સમર્થન આપે છે. આ ઉપરાંત, તે દિલ્હી-એનસીઆરમાં પરિવહનને કારણે થતાં પ્રદૂષણને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં શરૂ કરાયેલી નયા સફર યોજનાને પણ પૂરક બળ પૂરું પાડે છે.
અશોક લેલેન્ડ પોતાના રાષ્ટ્રવ્યાપી ડીલર નેટવર્કના માધ્યમથી ગ્રાહકોને રોઝમર્ટા રિસાયક્લિંગના ઓથોરાઇઝ્ડ સ્ક્રેપેજ સેન્ટર્સ સાથે જોડશે. આ ભાગીદારીની મદદથી ગ્રાહકોને જૂના વાહનની નોંધણી રદ કરાવવાથી લઈને તમામ કાયદાકીય કાગળિયાં પૂરા કરવા સુધીની તમામ સેવાઓ એક જ જગ્યાએ ખૂબ જ સરળતાથી મળી રહેશે.
આ ભાગીદારી અંગે બોલતાં, અશોક લેલેન્ડના નેશનલ સેલ્સ હેડ સુશ્રી માધવી દેશમુખે જણાવ્યું હતું કે, "ભારતમાં આયુષ્ય પૂરું થવા આવ્યું હોય તેવા જૂના કમર્શિયલ વાહનોની સંખ્યા ઘણી મોટી છે, તેથી એક વ્યવસ્થિત, પારદર્શક અને ગ્રાહક-અનુકૂળ સ્ક્રેપેજ ઇકોસિસ્ટમ હોવી ખૂબ જરૂરી છે. રોઝમર્ટા રિસાયક્લિંગ સાથેની અમારી આ ભાગીદારી દ્વારા, અમે જવાબદારીપૂર્વક વાહનોનો નિકાલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાની સાથે જ ગ્રાહકોને નવા, સ્વચ્છ અને વધુ માઈલેજ ધરાવતા કાર્યક્ષમ કમર્શિયલ વાહનો અપનાવવા પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. આ ભાગીદારી સસ્ટેઈનેબલ મોબિલિટી, સરક્યુલર ઇકોનોમીના સિદ્ધાંતો અને વાહનના સમગ્ર આયુષ્ય દરમિયાન ઉત્સર્જન ઘટાડવા પ્રત્યેની અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે."
આ પ્રસંગે રોઝમર્ટા ગ્રૂપના પ્રેસિડેન્ટ કાર્તિક નાગપાલે જણાવ્યું હતું કે, " સરકારની તાજેતરમાં મંજૂર કરાયેલી કમર્શિયલ વાહન બદલવાની પહેલ ભારતભરમાં વ્યવસ્થિત વાહન સ્ક્રેપેજને વેગ આપે તેવી અપેક્ષા વચ્ચે અશોક લેલેન્ડ સાથેની અમારી આ ભાગીદારી યોગ્ય સમયે થઈ છે.
અધિકૃત આરવીએસએફના માધ્યમથી બીએસ-3 અને તેનાથી જૂના કમર્શિયલ વાહનોનું ફરજિયાત સ્ક્રેપેજ કરવું—જેમાં દિલ્હી-એનસીઆર ક્ષેત્રના આશરે 2.07 લાખ વાહનોનો સમાવેશ થાય છે—તે ગ્રીન મોબિલિટી અને મજબૂત સરક્યુલર ઇકોનોમીની દિશામાં એક પ્રશંસનીય કદમ છે. રોઝમેર્ટા રિસાયક્લિંગ ખાતે અમે વૈજ્ઞાનિક પદ્ધતિથી વાહનોને ડિસેમ્ન્ટલ કરવા, મટીરિયલ રિકવરી વધારવા અને પર્યાવરણીય તેમજ કાયદાકીય માપદંડોનું ચુસ્ત પાલન કરીને એક સસ્ટેનેબલ રિસાયક્લિંગ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ."
આ ભાગીદારી દ્વારા, અશોક લેલેન્ડના ગ્રાહકોને તેમના જૂના વાહનોની વધુ બહેતર કિંમત મળશે, નવા વાહનોની ખરીદી પર સ્ક્રેપેજ-આધારિત OEM ડિસ્કાઉન્ટ મળશે અને સરકારની નીતિઓ અનુસાર રોડ ટેક્સ તેમજ રજિસ્ટ્રેશન ફીમાં પણ છૂટછાટનો લાભ પણ મળશે. આ ઉપરાંત, ગ્રાહકોને વ્યાવસાયિક અને નિયમોને આધીન નોંધણી રદ કરાવવાની પ્રક્રિયાનો લાભ મળશે, જે તેમને સંપૂર્ણ માનસિક શાંતિ આપશે.
અશોક લેલેન્ડ અને રોઝમર્ટા રિસાયક્લિંગ સાથે મળીને ગ્રાહકોને એક અનુકૂળ અને પારદર્શક પ્રક્રિયા ઉપલબ્ધ બનાવશે, જેથી તેઓ પોતાના જૂના વાહનોનો જવાબદારીપૂર્વક નિકાલ કરવા પ્રેરિત થાય.
આ પહેલ જવાબદારીપૂર્ણ મોબિલિટી સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવા અને વધુ સ્વચ્છ તેમજ ટકાઉ ટ્રાન્સપોર્ટેશન ઇકોસિસ્ટમમાં યોગદાન આપતી યોજનાઓને સમર્થન આપવાના અશોક લેલેન્ડના અવિરત પ્રયાસોને દર્શાવે છે.