અમદાવાદ : આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયાએ વિડીયોના માધ્યમથી જણાવ્યુ હતુ કે અત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામો થઈ રહ્યા છે, તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. આ ભ્રષ્ટાચાર સામે જનતાને જાગૃત કરવા માટે, જનતાના કામો સારા થાય અને લોકોના ટેક્સના પૈસાનો સદુપયોગ થાય એટલા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાનું જોખમ લઈને આ કામોની દેખરેખ રાખતા હોય છે. ગઈકાલે બગવદર પોલીસ સ્ટેશનમાં એક અતિ નિંદનીય ઘટના બની. અમારા ખેડૂત નેતા અને તાલુકા પંચાયતના સભ્ય એવા હિતેશભાઈ મોઢવાડિયા ત્યાં ચાલી રહેલા એક રસ્તાના કામની દેખરેખ રાખી રહ્યા હતા. ત્યાં જે ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હતું, તેને તેઓ સતત ઉજાગર કરી રહ્યા હતા. તેઓ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓના સતત સંપર્કમાં હતા, કારણ કે હિતેશભાઈ પોતાના તમામ કામો પડતા મૂકીને આ વિસ્તારમાં સતત નજર રાખી રહ્યા હતા. તેમનો એક જ આશય હતો કે જનતાના ટેક્સના પૈસાનો સદુપયોગ થાય, કામ મજબૂત બને અને ભ્રષ્ટાચાર અટકે. તેઓ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને સતત કહેતા હતા કે, "જો સારું કામ નહીં કરો તો તમારી સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે અને હું જનતાની સાથે મળીને અવાજ ઉઠાવીશ." પરંતુ, ભ્રષ્ટાચાર છુપાવવા માટે હિતેશભાઈ ઉપર ખંડણીનો ખોટો કેસ (FIR) કરવામાં આવ્યો! તેમની પર પૈસા માંગવાના અને વહીવટ કરવાના ખોટા આક્ષેપો લગાવીને, પૂછપરછના બહાને બોલાવી તેમની ધરપકડ કરવામાં આવી અને જેલ હવાલે કરી દેવાયા. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે જે કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે કે પ્રશ્ન પૂછે, તેની સામે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને એક્શન લેવામાં આવે છે. જો તમે સાચું અને ગુણવત્તાયુક્ત કામ કરતા હોવ, તો તમારે કોઈનો ડર રાખવાની જરૂર જ નથી. ખોટા કેસો કરવાના બદલે તમારી ફરજ પ્રમાણિકતાથી નિભાવો. જનતાના હક માટે અવાજ ઉઠાવવો એ દરેક નાગરિકનો અધિકાર છે. હિતેશભાઈ મોઢવાડિયા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય છે અને એક જનપ્રતિનિધિ તરીકે તેમણે જનતાનો અવાજ ઉઠાવ્યો છે અને ભવિષ્યમાં પણ ઉઠાવતા રહેશે.
’આપ’ નેતા રાજુ બોરખતરીયાએ વધુમાં જણાવ્યું હતુ કે તમે હિતેશભાઇને જેલમાં પૂરીને તેમનો અવાજ દબાવી નહીં શકો. હિતેશભાઈ બે દિવસ, પાંચ દિવસ, પંદર દિવસ કે બે મહિના... જેટલા દિવસ જેલમાં રહેવું પડે એટલા દિવસ રહેશે. તેઓ જનતાના હિત માટે જેલમાં ગયા છે, કોઈ પાપ કરીને નહીં. ખરાબ કામ ભ્રષ્ટાચારીઓ કરે છે અને જેલમાં સાચા માણસને મોકલવામાં આવે છે. વાસ્તવમાં જેલના હકદાર એ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો છે. કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓને બચાવવા માટે સત્તાધારી ભાજપના નેતાઓ અને પોલીસ તંત્રનો જે દુરુપયોગ થઈ રહ્યો છે, તે તદ્દન ગેરવાજબી છે. તમે એવું ઈચ્છો છો કે જેવો કોઈ અવાજ ઉઠાવે કે તરત જ તેને મૂળમાંથી દબાવી દેવો, પરંતુ આમ આદમી પાર્ટીના સૈનિકો અને સિપાહીઓ આવી ધમકીઓથી ડરવાના નથી. હિતેશભાઈ પૂરી તાકાતથી આ લડત લડશે. તમે એક હિતેશભાઈને જેલમાં પૂરશો, તો ભ્રષ્ટાચાર સામે લડવા હજારો હિતેશભાઈ ઊભા થશે. આખી આમ આદમી પાર્ટી તેમની સાથે મજબૂતાઈથી ઊભી છે. હું, સત્તાવાળાઓને પડકાર ફેંકું છું કે હિતેશભાઈની ન્યાયની આ લડાઈમાં આમ આદમી પાર્ટીનો એક-એક કાર્યકર તેમની સાથે છે અને જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે પૂરો સાથ, સહકાર અને સપોર્ટ આપીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત